(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩૦
અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાઓનો દોર આજે દિવસ દરમિયાન જારી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદને પગલે આજે સરેરાશ ૧૪ મીલીમીટર જેટલો વરસાદ પડવા પામ્યો છે આટલા સામાન્ય વરસાદની વચ્ચે પણ શહેરમાં ભૂવા પડતા મણીનગરથી જશોદાનગર સુધીનો રસ્તો વાહનવ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામા આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા ચાર દિવસથી સમયાંતરે કયારેક ભારે તો ક્યારેક હળવો વરસાદ વરસી રહ્યો છે.દરમિયાનશહેરમા સરેરાશ ૧૪ મીલીમીટર વરસાદ પડવા પામ્યો છે.જેમાં સૌથી વધુ પૂર્વ ઝોનમા૧૫.૬૭ મીલીમીટર વરસાદ થવા પામ્યો હતો.શહેરમાં મોસમનો સરેરાશ વરસાદ ૩૮.૮૩ ઈંચ થવા પામ્યો છે.આટલા સામાન્ય વરસાદની અંદર પણ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલા ગોરનાકુવા પાસે થોડા-થોડા અંતરે બે મોટા ભુવા પડવા પામતા સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિસિપલ તંત્રને જાણ કરવામા આવતા તંત્ર દ્વારા આ ભુવા આસપાસમા આડશ મુકીને પ્રોટેકશન કરવામા આવ્યુ હતુ.બીજી તરફ મણીનગરથી જશોદાનગર તરફ જવાનો રસ્તો વાહનવ્યવહાર માટે તંત્ર દ્વારા બંધ કરી દેવામા આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.આ સાથે જ બપોરના સુમારે જે સમયે વરસાદી ઝાપટુ વરસ્યુ એ સમયે ચાલુ વરસાદમાં શહેરના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરવામા આવેલી રોડ રીસરફેસીંગની કામગીરી સામે પણ લોકોમા રોષ જોવા મળ્યો હતો.બીજીતરફ અમદાવાદ શહેરમાં મોસમનો અત્યાર સુધીનો કુલ વરસાદ ૯૮૬.૩૮ મીલીમીટર (૩૮.૮૩ ઈંચ) થવા પામ્યો છે.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી વધતા તેને ઘટાડવા માટે બેરેજના કુલ છ દરવાજા ખોલી નાંખવામા આવ્યા હતા સપાટીને ૧૨૮.૫૦ ફૂટ ઉપર લાવવામા આવી હતી.નદીમા કુલ ૧૬૯૩૯ કયુસેક પાણીની જાવક નોંધાવા પામી હતી.દરમિયાન શહેરમા મંગળવારે બપોરે પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં કુલ ૩૦૦ થી વધુ સ્થળોએ વરસાદી પાણી ભરાયાની ફરીયાદ તંત્રને મળવા પામી હતી જે પૈકી હજુ પણ ૧૨થી વધુ સ્થળોએ વરસાદી પાણી ભરાયેલા છે જેમા મધ્યઝોનમાં એક,પશ્ચિમઝોનમાં બે,પૂર્વઝોનમાં ત્રણ, દક્ષિણઝોનમાં બે અને નવા પશ્ચિમઝોનમાં ચાર સ્થળનો સમાવેશ થાય છે. શહેરમાં મધ્યઝોનમા,પશ્ચિમઝોનમાં,પૂર્વ અને દક્ષિણઝોનમાં એમ કુલ ચાર સ્થળોએ ભૂવા પડવા પામ્યા છે જ્યારે મધ્યઝોનમાં ચાર સ્થળોએ મકાન કે તેનો ભાગ ભયજનક હોવાની ફરીયાદ તંત્રને મળવા પામી છે.