ધંધુકા,તા.૧૦
દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ સહિત ર૧ રાજકીય પક્ષોએ આપેલા ભારત બંધના એલાનને સફળ બનાવવા ધંધુકા કોંગ્રેસના ધારાસભ્ય અને એનેઅસયુઆઈના કાર્યકરો આજે સવારથી જ દુકાનો બંધ કરાવવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ધંધુકામાં ભીંડી બજાર, મોટી શાકમાર્કેટમાં બંધની અસર સો ટકા દેખાતી હતી. જયારે બપોર બાદ હાઈવે ઉપર અને સ્ટેશન રોડ ઉપર અમુક દુકાનો ખુલ્લી જણાતી હતી. ધંધુકામાં બંધના એલાન દરમ્યાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ધંધુકા એસ.ટી. ડેપોની તમામ નાઈટ હોલ્ડની બસોને ડેપો ખાતે પરત બોલાવી લેવામાં આવી હતી અને આખો દિવસ સંચાલન આંશિક રહેવા પામ્યું હતું. બજારો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ, કોર્પોરેટર અમિત રાણપુરા, બાબાભાઈ દેસાઈ, દુષ્યંતભાઈ તાલુકા પંચાયત સહિતના પ્રવિણસિંહ ચાવડા, સુલેમાનભાઈ કોઠારિયા તથા કોંગી અગ્રણીઓ હુસેનભાઈ દેસાઈ, મહંમદ રઝા બુખારી, એનએસયુઆઈના નાસીરભાઈ સંઘરિયાન, જયેશભાઈ ચાવડા સહિત પ૦ કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અને બપોર બાદ તમામને મુકત કરી દેવાયા હતા. બંધના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો.