(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૪
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આવેલ કીકાણી કોલેજના ર૯૦ વિદ્યાર્થીઓએને ચાલુ વર્ષે પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓએ ઉચ્ચસ્તરે રજૂઆત કરી ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. અંતે કોંગ્રેસના મંત્રી હબીબ મોદનની વિનંતીથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઉચ્ચસ્તરે રજૂઆત કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચેડાસમાએ ગંભીર નોંધ લઈ યુનિ.ને સુચના આપતા લાંબા સંઘર્ષ બાદ ર૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયો છે.
ધંધુકામાં ધંધુકા, બરવાળા, ધોલેરા અને રાણપુર એમ ચાર તાલુકા વચ્ચે એક માત્ર કીકાણી કોલેજ છે. આ કોલેજમાં દર વર્ષે એડમિશનના પ્રશ્નો ઊભા થાય છે. ચાલુ વર્ષે પણ ર૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા વિદ્યાર્થીઓએ સ્થાનિક આગેવાનોને રજૂઆત કરી હતી. આથી મહંમદ દેસાઈ, નાસીર ઘોઘારી, સોયબ ખટુંબરા, જૈનમ શાહ વગેરેએ વિદ્યાર્થીઓનું ભાવિ બગડતું અટકાવવા રાજ્યપાલ, મુખ્યમંત્રી ગુજરાત યુનિ.ના કુલપતિ વગેરેને લેખિત રજૂઆત કરી હતી. ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહેલ વિદ્યાર્થીઓને લઈ યુનિ. ગયા હતા, પરંતુ ત્યાં તેમને ઠાલા આશ્વાસન સિવાય કશું મળ્યું ન હતું.
આ ભાગદોડથી કંટાળેલા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી તેમ છતાં અસર ન થતાં અંતે ગાંધી માર્ગ અપનાવી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેસતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિદ્યાર્થીઓના આંદોલનને બળ પૂરૂં પાડવા કોંગ્રેસના મંત્રી હબીબી મોદનને આંદોલનમાં જોડાવવા જણાવતા ધારાસભ્ય રાજેશ ગોહેલ, ધંધુકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિક્રમભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ ડાભી, નગરસેવક મોહિયુદ્દીન બાપુ,નાસીર ઘોઘારી, જૈનમ શાહ, સોયબ ખટુંબરા, સુલેમાનભાઈ મોદન વગેરે પણ આંદોલનમાં જોડાયા હતા. તેમ છતાં આ પ્રશ્નનો નિવેડો આવતો ન હતો. અંતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પુનઃ રજૂઆત કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રશ્નની ગંભીર નોંધ લઈ તુરત જ યુનિ.ને જાણ કરતા લાંબા સંઘર્ષ બાદ ર૯૦ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવો પડ્યો હતો.