ધોળકા,તા.ર૦
બાજરડા ગામ જોડેથી પસાર થતી ચતુરી નદીમાં લીંબડી, ચુડા તાલુકામાં ભારે વરસાદ પડતાં સમગ્ર પાણીનું વહેણ ચતુરી નદીમાં આવતાં બાજરડા ગામ ફરતે પાણી ફરી વળ્યા હતા.ગતરાત્રીના સુમારે ચુડા અને લીંબડીના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતાં સમગ્ર પાણી ચતુરી નદીમાં વહી બાજરડા ગામે પહોંચી ચારે બાજુથી ગામને ઘમરોળી નાખ્યું હતું. તો વળી ધંધુકા બાજરડા ગામનો રોડ તેમજ બાજરડાથી લીંમી જતો રોડ આ બંને રોડ બંધ થઈ જવા પામ્યા હતા. ધંધુકાથી બાજરડા નાઈટ આઉટ બસ રોડ બંધ થઈ જતાં ત્યાંજ રોકી દેવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓ શાળાએથી જઈ શક્યા ન હોતા. સંપૂર્ણ રોડ બંધ હોવાથી તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામેલ.
તો વળી ગ્રામ પંચાયતના ઉપસરપંચ-અલીભાઈ સંઘરિયાત જવાબદાર તંત્ર સામે રોષ ઠાલવતાં જણાવે છે કે, ચતુરી નદીમાં ધસમસતો પ્રવાહ આવતાં ગામની સુરક્ષા માટે બાંધેલ પાળો તુટી જવાથી પાણી ઘૂસી આવ્યું હતું. તો આ પાળો છેલ્લા છ વર્ષથી તૂટી જાય છે. જેને લઈને તંત્રને ગામની સુરક્ષાને લઈ સુરક્ષા દીવાલ બનાવવા અંગે વારંવાર લેખિત-મૌખિમ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર આ બાબતે કોઈ ધ્યાન ન આપતાં નિષ્ક્રીય જ રહેવા પામ્યું છે. બાજરડા ગામ જ્યારે-જ્યારે ઉપરવાસમાં વધુ વરસાદ પડે ત્યારે-ત્યારે ગામ બેટમાં ફેરવાઈ જાય છે. શું તંત્ર ગામમાં કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જુવે છે ? શા માટે ગામની સુરક્ષા દીવાલ માટે મંજૂરી આપવામાં આવતી નથી ? તંત્રની બેદરકારીએ ગામ લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે હવે જવાબદાર તંત્ર ગામની સુરક્ષા દીવાલ બનાવવા ક્યારે મંજૂરીની મહોર મારે છે તે સામે સૌની મીટ મંડાઈ છે.