(સંવાદદાતા દ્વારા)
ડીસા,તા.ર૮
બનાસકાંઠા જિલ્લામાં પૂરને કારણે સર્જાયેલી ખાના-ખરાબીની વિગતો ધીમે ધીમે બહાર આવી રહી છે તે જોતા તબાહીના નુકસાનની કલ્પના જ કરવી રહી. રાજસ્થાનમાં ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલ પાણીના ધસમસતા પ્રવાહે ધાનેરા પંથકમાં ઘૂસી જતાં ભારે ખાના-ખરાબી સર્જાઈ છે જેમાં ધાનેરામાંથી આજે ૧પ મૃતદેહ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૩ મૃતદેહ મળી આવતાં વધુ ૧૮ વ્યકિતઓના મોત થયાની વિગતો બહાર આવી છે. આ વિગતો જોતા માનવ-મૃત્યુનો અંક ઘણો ઉંચો જવાની શકયતા જોવાઈ રહી છે. બ.કા. જિલ્લાના ધાનેરામાં જેતપુર ડેમનો પાણી ઘૂસી આવતા ધાનેરાની દશા બદલાઈ ગઈ છે. કરોડો રૂપિયાના માલનું નુકસાન થવા પામ્યું છે ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં રહેતા પરિવારો પાણીના પૂરમાં મોતને ભેટેલ છે. ધાનેરામાંથી ૧પ લાશ મળી આવી હતી. જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તથા અમદાવાદથી સેવાભાવી સંસ્થાઓએ ધાબળા, પાણી, રસોઈની કીટ, અનાજ આપી ઉદારતા બતાવી હતી. છ-છ દિવસ થયા છતાં ગામ લોકોને નેટવર્ક ન મળતા સંપર્ક વિહોણા બન્યા છે સરકાર દ્વારા યુધ્ધના ધોરણે સફાઈ માટે મનપાની સુરતની બસો ટીમો તૈનાત કરવામાં આવી છે. દવાનો છંટકાવ કરવાની માગ ઉઠી છે પૂરમાં અસંખ્ય ઘરો બરબાદ થઈ ગયા છે. ત્યારે સરકાર દ્વારા હજી સુધી કેશડોલ્સની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આથી ધાનેરા ગ્રામજનોમાં સરકાર સામે રોષ ફાટયો છે. તાત્કાલિક સહાય કરી ચુકવવામાં આવે તેવી માગ ઉઠી છે. વડાપ્રધાન દ્વારા થયેલી રૂપિયા પ૦૦ કરોડની સહાય ચૂકવવાની જાહેરાત થયા છતાં હજુ સુધી ધાનેરા પંથકના ગ્રામજનોને સહાય ન મળતાં રોષ જોવા મળ્યો છે.