અમદાવાદ, તા.ર૦
ઈસ્લામિક રિલીફ કમિટી ગુજરાતની ટીમે તાજેતરમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના સાંચોર વિસ્તારની મુલાકાત કરી હતી. આસપાસના વિસ્તારોમાં અત્યારે પણ પાણી ભરાયેલું છે. નેનાવા હાઈવેથી આઠ કિમી અંદર તૂટેલા રસ્તાઓથી પાંચલા ગામની મુલાકાત લીધી હતી. જ્યાંથી પાણી ધાનેરા તરફ આવ્યું હતું. ટીમે ત્યાંના હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે મુલાકાત કરી અને વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. ખેતીને નુકસાન થયું છે. ઘરનો સામાન પણ પાણીમાં તણાઈ ગયો છે. ૯ મકાન ભોંયભેગા થઈ ગયા છે. જેને બનાવવાની જરૂરત છે. કુંભાર સમાજની પાંચ ભઠ્ઠીઓ ખતમ થઈ છે. સામાન પણ તણાઈ ગયો છે. જેના લીધે ઘણા લોકો બેરોજગાર બની ગયા છે. ઘણા મકાનોના રિપેરિંગનું કામ કરવાની જરૂરત છે. સ્કૂલ કિટની પણ જરૂરત છે. સરકાર તરફથી વળતરની સામાન્ય રકમ મળી છે જેમાં સાત પરિવારો વંચિત રહી ગયા છે. કેમ કે તેઓ ગૌચરની જમીન ઉપર રહેતા હતા. જો કે તેઓે આધારકાર્ડ, રેશનિંગ કાર્ડ અને વીજળીનું બિલ પણ ભરે છે. માત્ર જમિયત ઉલમાની તરફથી રસોડાનો સામાન મળ્યો છે. કેટલાક મુસલમાનો માત્ર નામના જ મુસલમાનો છે. આ મુલાકાત દરમિયાન શકીલ અહમદ રાજપૂત, અબ્દુલ કાદર મેમન, શકુર અને જાકીરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ ટીમ ધાનેરા ગઈ હતી. જ્યાં ચેરમેને જામા મસ્જિદમાં માનવી માનવીના કામમાં આવે તેવું પ્રવચન આપ્યું હતું. નમાઝ બાદ સરસ્વતી વિદ્યાલય અને મદ્રેસાના ૪૮૦ વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ આપવામાં આવી હતી. જો કે જરૂરત તેના કરતાં પણ વધુ છે. એમ ઈસ્લામિક રિલીફ કમિટી ગુજરાતના સેક્રેટરી ઉમર વ્હોરાએ જણાવ્યું છે.