નવી દિલ્હી, તા. ૨૮
લોકસભામાં મોદી સરકારની બહુમતીને જોરે ગુરૂવારે ટ્રિપલ તલાક બિલ પસાર કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક વિપક્ષી દળોએ જોરદાર હોબાળો કર્યો હતો જોકે, સરકારની બહુમતીને આધારે ખરડો પસાર કરી દેવામાં આવ્યો હતો. અસદુદ્દીન ઓવૈસી અને કોેંગ્રેસના પ્રસ્તાવોને પણ ફગાવીદેવામાં આવ્યા હતા. આ પહેલા વર્તમાન ટ્રિપલ તલાકને ગેરકાયદે અને વ્યર્થ બનાવવા તથા ટ્રિપલ તલાક આપનારા પતિને ત્રણ વર્ષની જેલની સજા નક્કી કરવા માટેનું બિલ ગુરૂવારે લોકસભામાં રજૂ કરાયું હતું. સંસદમાં વિવિધ પક્ષોના ભારે હોબાળા વચ્ચે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે મુસ્લિમ મહિલાઓને લગ્ના અધિકારને સુરક્ષા આપતો કાયદો રજૂ કરાયો છે. બિલનો રાજદ, એઆઇએમઆઇએમ, બીજેડી અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ પાર્ટીઓએ ભારે વિરોધ કર્યો હતો. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, બાંગ્લાદેશ, ઇજિપ્ત અને ઇન્ડોનેશિયામાં આ કાયદાને ફગાવી દેવાયો છે. ઇસ્લામિક દેશોમાં પણ વર્તમાન ટ્રિપલ તલાકને ફગાવી દેવાઇ છે. આ દેશોમાં તલાક આપવા માટે નોટિસ આપવી પડે છે જો એમ ન કરવામાં આવે તો એક વર્ષની જેલની સજાની જોગવાઇ છે. બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જો પુરૂષને જેલમાં મોકલવામાં આવે તો ભરણ પોષણ કોણ કરશે. તેમણે કહ્યું કે, આ બિલ અંગે વિચાર વિમર્શની પ્રક્રિયા પૂરી કરવામાં આવી નથી. પ્રસાદે કહ્યું કે, અમે શરિયતમાં દખલ આપી રહ્યા નથી. સગીર બાળકની કસ્ટડીને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. જો આપણે કાનુન બનાવીશું તો મહિલાઓ પર અત્યાચાર ઓછા થશે. તેમણે કહ્યું કે, પત્નીને વર્તમાન ટ્રિપલ તલાક આપે તો પોલીસ તેને જામીન આપી શકે નહીં પરંતુ મેજિસ્ટ્રેટને શક્તિ છે કે, તે તેને જામીન આપી શકે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. બિલને સંસદમાં રજૂ કરનારા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક દિવસ છે અને મહિલાઓનું સશક્તિકરણ, તેમને સન્માન અને અધિકાર માટેનું પગલું છે. તેમણે કહ્યું કે, આ બિલ મહિલાઓને અધિકાર અને ન્યાય આપવા માટે છે અને કોઇપણ ધર્મ અને સમાજ અંગે નહીં.
૨. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સહિત કેટલીક પાર્ટીઓએ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે ઓવૈસીએ જણાવ્યું કે, આ બિલ ખરેખર મુસ્લિમ મહિલાઓ માટે અન્યાયી છે આઝાદીના અધિકારનું ઉલ્લંઘન છે જેમાં બિલ તૈયાર કરતા સમયે મુસ્લિમોનો સંપર્ક કરાયો નથી.
૩. કોંગ્રેસે આ બિલને સમર્થન આપ્યું છે અને કહ્યું કે, ટ્રિપલ તલાકને સમાપ્ત કરવાના કોઇપણ પગલાંનું સમર્થન છે પરંતુ તેણે જેલના પ્રસ્તાવ સામે સવાલ કર્યો હતો અને બિલમાં કેટલાક સુધારા સૂચવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે, મહિલાઓને સુરક્ષા આપવા માટે આપણે મજબૂત બિલની જરૂર છે. જો એક પુરૂષ પોતાની પત્ની અને બાળકોને છોડી દે અને તેને જેલની સજા થાય તો તે ભરણપોષણ કેવી રીતે આપી શકે છે.
૪. કોંગ્રેસે આ બિલને સંસદીય પેનલ સમક્ષ વિચારણા માટે મોકલવા માગ કરી હતી. પરંતુ કોંગ્રેસે લોકસભામાં મતદાન માટે ટ્રિપલ તલાક બિલ પર ભાર મુક્યો નહોતો કારણ કે, સંસદમાં સરકારની બહુમતી છે તેથી બિલ કોઇપણ કાળે પસાર થઇ જાય.
૫. જોકે, સૂત્રોએ કહ્યું કે, મુખ્ય વિપક્ષે આ બિલનો વિરોધ રાજ્યસભામાં કરવાનો નિર્ણય લીધો છે. જેનો અર્થ એ થયો કે, આ બિલ સંસદીય સમિતીને મોકલવામાં આવશે અને આ શિયાળુ સત્રમાં તે પસાર થાય તેવા કોઇ એંધાણ નથી. બિલને પસાર કરવા માટે બંને ગૃહોની સહમતી જરૂરી છે.
૬. રાજ્યસભામાં સરકારે મુકેલા બિલનો બીજુ જનતા દળ અને એઆઇએડીએમકેએ વિરોધ કર્યો છે અને સરકારે તેમને મૈત્રિપૂર્ણ રહીને બિલને પસાર થવામાં મદદરૂપ બનવા કહ્યું છે. સત્તાધારી ભાજપની રાજ્યસભામાં પણ બહુમતી છે જેથી તેણે આવા કેટલાક પક્ષોનો સહકાર જરૂરી છે.
૭. મુસ્લિમ મતદારોનું સમર્થન મેળવનારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ હજુ સુધી પોતાનુ વલણ સ્પષ્ટ કર્યું નથી. જ્યારે અન્ય મુસ્લિમ મતદારોની સમર્થક સમાજવાદી પાર્ટી બિલના હાલના સ્વરૂપનો વિરોધ કરી રહી છે.
૮. સંસદીય કાર્યંમંત્રી અનંદકુમારે કહ્યું કે, ભાજપની સવારની બેઠક બાદ સરકાર રાજ્યસભામાં બિલ અંગે વિવિધ પક્ષો સાથે ચર્ચા કરશે અને આ અંગેની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.
૯. આ વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવી હતી. મુસ્લિમ મહિલાઓ દ્વારા કોર્ટમાં એવી અરજીઓ દાખલ કરવામાં આવી હતી કે, વોટ્‌સએપ, સ્કાઇપ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા તેમના પતિઓએ ટ્રિપલ તલાક આપ્યા છે જે મહિલાઓના અધિકારનો જ ભંગ નથી પરંતુ સાથે જ ઘણી મહિલાઓને એકલી તરછોડી દે છે.
૧૦. ટ્રિપલ તલાકને પ્રતિબંધિત કરવા માટે કાયદાની જરૂર છે તેમ કહેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, કાયદાકીય સુરક્ષામાં મહિલાઓને ન્યાય અને બાળકોની કસ્ટડી મળી શકશે. તેમણે એવું પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આ પ્રથા ચાલુ હતી.
શા માટે ટ્રિપલ તલાક બિલ સંસદમાં
મોટું અવરોધક બની રહેશે

નવી દિલ્હી, તા. ૨૮
ટ્રિપલ તલાકને અપરાધિક ગુનો ગણાવતા બિલને લોકસભામાં આજે રજૂ કરાયું હતું. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તેને મહિલાઓને ન્યાય અને સન્માન આપવા માટેનું બિલ ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આ કોઇ ધર્મ કે સમુદાય અંગે નથી. ઓગસ્ટમાં પાંચ જજોની સુપ્રીમ કોર્ટની પીઠે વર્તમાન ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવી હતી.
આ અઁગે ૧૦ મહત્વના મુદ્દા
૧. આ ખરડો હાલમાં ચાલી રહેલા છૂટાછેડા અને તેના જેવા છૂટાછેડાને મુસ્લિમ પુરૂષોદ્વારા તાત્કાલિક અપાતા તલાકની પ્રથાન અસર કરશે.
૨. પ્રસ્તાવિત કાયદામાં કોઇપણ વ્યક્તિ દ્વારા બોલાવાતી તલાક પછી તે બોલીને, લખીને કે ઇલેક્ટ્રોનિક રીતો હોય તે ગેરકાયદે ગણાશે. કાયદો ટ્રિપલ તલાકનો ઉપયોગ કરી પત્નીને છોડી દેનારા પતિ માટે સજાની જોગવાઇ પણ કરે છે જેમાં પુરૂષને વધુમાં વધુ ત્રણ વર્ષની જેલ થઇ શકે છે.
૩. પરંતુ અન્ય અપરાધિક ગુનાઓની જેમ ત્રર્ષની સજાની જોગવાઇ બિલમાં વાંધાજનક છે. આનો અર્થ એ થયો કે કોઇ મુસ્લિમ મહિલા પોલીસ પાસે ફરિયાદ કરે તો તેની તાત્કાલિક વોરંટ વિના ધરપકડ થઇ શકે. ઉપરાંત અપરાધ બિનજામીનપાત્ર ગુનો રહેશે જેને ફક્ત કોર્ટ જ જામીન આપી શકે.
૪. બિલમાં તલાક મેળવનારી મહિલાને બાળકનો કબજો મેળવવાનો હક છે. મહિલા પોતાના અને બાળકો માટે ભરણ પોષણ માગવા પણ હકદાર છે. પતિની આવક પ્રમાણે મેજિસ્ટ્રેટ ભરણ પોષણ નક્કી કરશે.
૫. રવિશંકર પ્રસાદે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ પણ મુસ્લિમ પુરૂષો દ્વારા ટ્રિપલ તકાલના મામલા સામે આવતા જેલની સજાની જોગવાઇ કરાઇ છે.
૬. પ્રસાદે લોકસભામાં કહ્યું કે, આ વર્ષે ભારતમાં ૩૦૦ જેટલા વર્તમાન ટ્રિપલ તલાકના કેસો સામે આવ્યા છે.
૭. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ૧૦૦ જેટલા આવા કેસો બન્યા છે અને એક તો આજે સવારે જ બન્યો જેમાં ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ મહિલા સવારે મોડી ઉઠી તો તેને તલાક આપી દેવાઇ.
૮. કોંગ્રેસે બિલનું સમર્થન કર્યું પરંતુ મુસ્લિમ મહિલાોને સંરક્ષણ આપવાની જોગવાઇઓમાં ફેરફાર કરવા સૂચન કર્યા હતા.
૯. લોકસભામાં ચર્ચા દરમિયાન ઘણા વિપક્ષોએ બિલનો વિરોધ કર્યો જેમાં કહેવાયું હતું કે, મુસ્લિમ પુરૂષને જેલમાં મોકલવામાં આવે તો ભરણ પોષણ કોણ આપશે.
૧૦. સરકારે આ દલીલ એમ કહીને ફગાવી દીધી હતી કે, પુરૂષને જામીન આપવા કે નહીં તે અંગે મેજિસ્ટ્રેટ નિર્ણય કરશે. જજ પાસે એ પણ સત્તા હશે કે તે પુરૂષને થોડા સમય માટે જેલમા મોકલી શકે. બિલમાં હળવી જેલની સજાની કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.