ગોંડલ, તા.પ
ગોંડલના ચર્ચાસ્પદ નિલેશ રૈયાણી હત્યા પ્રકરણમાં આજીવન કેદની સજા પામેલા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણેય આરોપીઓએ હાઈકોર્ટના આજીવન કેદના ચુકાદા સામે માંગેલા અપીલ જામીન સુપ્રીમ કોર્ટે આજે ગ્રાહ્ય રાખ્યા હતા. જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાને ગુજરાતની હદમાં નહીં પ્રવેશવા, પ-પ લાખના સોલવન્સી જામીન જમા કરાવવા અને પાસપોર્ટ જમા કરાવવાની શરત પણ સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ર૦૦૪માં થયેલ નિલેશ રૈયાણી હત્યા કેસમાં હાઈકોર્ટ દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાને દોષિત કરાર કરી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરાયા બાદ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના દ્વારા સુપ્રીમ કોર્ટના જામીન અંગે અરજી કરતા સુપ્રીમમાં આજે સુનાવણી હાથ ધરાતા ગુજરાત બહાર રહેવાની શરતે જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણાનો જામીન ઉપર છૂટકારો થવા પામ્યો હતો. વધુમાં સુપ્રીમ દ્વારા ઉનાળું વેકેશન બાદ ધારાસભ્ય દ્વારા સજા સામે કરેલ અપીલ ચલાવવા હુકમ કર્યો હતો. વધુમાં તેમના પાસપોર્ટ જમા કરાવી ગુજરાતમાં આવવા હાઈકોર્ટની મંજૂરી લેવા પણ હુકમ કર્યો છે. સાથોસાથ રામજી મારકણા દ્વારા હત્યા કેસમાં પક્ષકાર તરીકે જોડવા કરાયેલ અરજી સુપ્રીમ દ્વારા નામંજૂર કરાઈ છે. છેલ્લી ચાર ટર્મથી ગોંડલ વિધાનસભા બેઠક ઉપર ચૂંટાતા ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ચૂંટણીના પડઘમ વેળા જ હાઈકોર્ટ દ્વારા આજીવન કેદની સજા સાથે કાનૂની વિવાદમાં સપડાતા રાજકીય અનેક પ્રશ્નો સર્જાવા પામ્યા હતા. અલબત્ત આજીવન કેદની સજા પામેલા ધારાસભ્ય જાડેજા ચૂંટણી લડવા અમાન્ય બન્યા હોય. છેલ્લા બે દાયકાથી ગોંડલ બેઠક ઉપર મજબૂત પકડ સાથે વર્ચસ્વ ધરાવતા જયરાજસિંહ જાડેજાનો વિકલ્પ શું ? તે અંગે માત્ર જિલ્લા ભાજપ જ નહીં પ્રદેશ ભાજપના નેતાઓ પણ અવઢવ સ્થિતિમાં હોય હવે જયરાજસિંહ જાડેજાને રેગ્યુલર જામીન મુક્તિ મળતા આગામી સમયમાં જ ગોંડલ બેઠકના ભાજપના ઉમેદવાર અંગેનું ચિત્ર સ્પષ્ટ બનશે. તાજેતરમાં ટિકિટ અંગે લેવાયેલ સેન્સવેળા શહેર તાલુકાના ભાજપ વર્તુળો દ્વારા એક સૂરમાં જયરાજસિંહ અથવા જયરાજસિંહ જે નામ સૂચવે તેવો અભિપ્રાય નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરાયો હતો. હવે જયરાજસિંહ જાડેજા જામીન મુક્ત થતા તેમના દ્વારા વિધાનસભાની ટિકિટ અંગે કેવો વ્યુહ અપનાવાય છે તે તરફ તાલુકાભરની મીટ મંડાઈ છે.
ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ દ્વારા ગુજરાત બહાર રહેવાની શરતે મળ્યા જામીન

Recent Comments