અમદાવાદ, તા.ર૩
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજનેતા શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા હવે વિપક્ષના નવા નેતા કોણ તેની ચર્ચાઓ વહેતી થઈ છે. ત્યારે વિરોધપક્ષના નેતાનો ચાર્જ કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને સોંપવામાં આવ્યો છે. શંકરસિંહ વાઘેલાના રાજીનામા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે ત્યારે વિપક્ષના નેતાના પદેથી રાજીનામું આપતો પત્ર શંકરસિંહ વાઘેલાએ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને આપ્યો છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પદે કોણ ? તેમાં વિવિધ નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ વિરોધ પક્ષના નેતા તેમના પદેથી રાજીનામું આપી દે તો નિયમ પ્રમાણે વિરોધપક્ષના ઉપનેતાને વિરોધપક્ષના નેતાનો ચાર્જ સોંપવામાં આવે એટલે હાલ તો ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકેનો ચાર્જ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને આપવામાં આવ્યો છે.
જો કે વિરોધપક્ષના નેતા પદે કોને બેસાડવા તે માટે તા.રપ જુલાઈએ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. જેમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત પણ હાજર રહેશે. આ બેઠક બાદ વિપક્ષના નેતાની જાહેરાત કરાશે.