(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ર૩
જૂનાગઢ મનપાના જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે ૧૧ કલાકે યોજાઈ હતી. આ બેઠકમાં મનપાના કમિશનર પ્રકાશ સોલંકી, મેયર આદ્યશક્તિ મજમુદાર, ડે.મેયર ગિરીશ કોટેચા અને ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા કેપ્ટન સતિષ વિરડા, દંડક હુસેનભાઈ હાલા, અદ્રેમાનભાઈ પંજા, કુદુસભાઈ મુન્શી, વિજયભાઈ વોરા, પૂર્વ મેયર લાખાભાઈ પરમાર, અરજણભાઈ કારાવદરા સહિતના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યાં હતા. આજના આ બોર્ડમાં પ્રજાકીય પ્રશ્ને તેમ જ સાતમાં પગારપંચનો લાભ જૂનાગઢ મનપાના કર્મચારીને આપવાની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત જનરલ બોર્ડની બેઠકમાં એક એવો મુદ્દો પણ વિપક્ષે ઉઠાવ્યો હતો કે, જેમાં પેટ્રોલપંપ ઉપરથી વાહનમાં પેટ્રોલ ઓછું ભરવામાં આવે છે અને તેનું બિલ વધારાનું બનાવવામાં આવે છે તેવી બાબતોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આમાં જે કોઈની સામેલ ગીરી હોય તેની સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. ત્યારે આજના દિવસે પણ આ બોર્ડમાં વિપક્ષ, કોંગ્રેસ અને શાસકપક્ષ દ્વારા આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો અને પેટ્રોલ ઓછું પુરનારાઓ તેમજ તેની સાથેની સામેલગીરી એટલે કે, મીલિભગતમાં જે કોઈ સંડોવાયેલા હોય તેની સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. તેમજ ગૌશાળામાં ગાયોના મૃત્યુ અંગે, શહેરમાં ડીવાઈડર ઉપર ફૂલોના રોપાના વાવેતર સ્ટ્રીટ લાઈટ, વોટર વર્કસ, રસ્તા સંબંધી કરાયેલી તપાસમાં કોણ કસુરવાર છે તેની સામે શું પગલાં લેવાયા છે તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત શહેરના રસ્તાઓમાં ખાડાઓ પડી ગયા છે અને તૂટી ગયા છે તે બાબતે પણ ગરમાગરમ ચર્ચાનો દોર શરૂ થયો હતો તેમજ વૃક્ષો વાવવામાં આવેલા હતા. તે તમામ વૃક્ષો બળી ગયા છે તો તેની નુકસાની અંગેનો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પ્રથાથી કામ કરતાં કર્મચારીઓનો છેલ્લા ત્રણ માસથી પગાર મળ્યો નથી. ત્યારે આ તમામ પ્રશ્ને પણ શાસક પક્ષ અને વિપક્ષ કોંગ્રેસે જોરદાર રજૂઆતો કરી હતી અને તાત્કાલિક આ પ્રશ્નોનો નિવેડો લાવવાની માગણી કરી હતી.