અમદાવાદ,તા. ૨૩
જજીસ બંગ્લોઝ-બોડકદેવ વિસ્તારમાં આવેલ રત્નમ્‌ ટાવરમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા બિલ્ડર દ્વારા રિવોલ્વર વડે ગાઢ નિંદ્રામાં પોઢી રહેલી પોતાની પત્ની અને અને બે પુત્રીઓની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારી હત્યા કરવાના ચકચારભર્યા પ્રકરણમાં હત્યારા ધર્મેશભાઇ આજે તેમની પત્ની અને બે પુત્રીઓના અંતિમ સંસ્કાર વખતે પણ હાજર રહ્યા ન હતા. પરિવારને ખતમ કરવાના આઘાત કોઇને મોં બતાવી શકવાની સ્થિતિમાં ના હોઇ તેઓ સમાજની શરમે હાજર ના રહ્યા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આમ, ધર્મેશભાઇ છેલ્લી વખત પોતાની પત્ની અને પુત્રીઓનું મોં પણ જોઇ શકયા ન હતા. ધર્મેશભાઇના પત્ની અમીબહેન અને તેમની પુત્રી હેલી તેમજ દીક્ષાનાં થલતેજ સ્મશાન ખાતે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધર્મેશભાઈને અંતિમ સંસ્કારમાં હાજર રાખવા માટે પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે તેઓને હાજર રાખવા માટે પમિશન પણ આપી હતી પરંતુ ધર્મેશભાઈ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા ન હતા. ધર્મેશભાઇ સ્મશાનમાં પરિવારજનો અને પરિસ્થિતિનો સામનો ન કરી શકે તેમ હોઇ અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. કાળજું કંપાવી દે તેવી બોડકદેવની હત્યાની ઘટનામાં મૃત્યુ પામેલાં અમીબહેન અને તેમની બંને પુત્રી હેલી અને દીક્ષાની આજે સવારે સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને ફ્‌લેટના સ્થાનિક રહીશો જોડાયા હતા. થલતેજ સ્મશાન ખાતે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના ત્રણ સભ્યોનાં અંતિમ સંસ્કારને લઇ ભારે ગમગીની અને શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનોએ ચોધાર આંસુએ રડી પડ્‌યા હતા તેમજ ભારે હ્રદયે તેઓના અંતિમ સંસ્કાર કર્યા હતા.