(એજન્સી) તા.ર૭
ફેક્ટ ચેકર ઈન સંસ્થા દ્વારા કરાયેલ એક સર્વેક્ષણ મુજબ ર૦૧૮ના વર્ષમાં ધાર્મિક પૂર્વગ્રહોના આધારે નફરત ફેલાવવાના ૯૩ ગુનાઓ બન્યા હતા જે દાયકામાં સૌથી વધુ છે. ર૦૧૮ના વર્ષમાં આ હુમલાઓથી ૩૦ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી જે ર૦૦૯ના વર્ષ કરતા સૌથી વધુ હતા અને ૩૦ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. પીડિતોમાં ૧૮ મુસ્લિમો, ૧૦ હિન્દુઓ અને ર ક્રિશ્ચિયનો હતા. જ્યારે ર૦૧૭ના વર્ષમાંં ર૯ મૃત્યુ થયા હતા.
ર૦૦૯ના વર્ષથી આ પ્રકારના હુમલાઓના લીધે ૧૦૦ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા જેમાં ૬પ મુસ્લિમો, ર૭ હિન્દુઓ અને ૪ ક્રિશ્ચિયનો હતા.
ર૦૧૮ના વર્ષમાં મોટાભાગના હુમલાઓ અર્થાત ર૭ હુમલાઓ ઉત્તરપ્રદેશમાં થયા હતા. એ પછી બિહારમાં ૧૦ હુમલાઓ થયા હતા. બંને રાજ્યોમાં ભાજપનું શાસન છે. રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટકમાં ૭-૭ હુમલાની ઘટનાઓ બની હતી. આ હુમલાઓથી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને કર્ણાટક અને ઝારખંડમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.
ર૦૧૮ના વર્ષમાં ૭પ ટકા હુમલાઓમાં લઘુમતીઓ ભોગ બન્યા હતા. જેમાં ધાર્મિક પીડિતોને ઓળખી કઢાયા હતા. આમાં ૬૦ ટકા પીડિતો મુસ્લિમો હતા અને ૧૪ ટકા ક્રિશ્ચિયનો હતા. ર૦૧૮ના વર્ષમાં ૬૩ હુમલાઓ થયા હતા જેમાં હુમલાખોરોના ધર્મની ઓળખ થઈ હતી. મળેલ માહિતી મુજબ ૪પ હુમલાઓ અથવા ૭૧ ટકા હુમલાઓ હિન્દુઓ દ્વારા કરાયા હતા અને ૧૭ ઘટનાઓમાં શંકાસ્પદ મુસ્લિમોની સંડોવણી હતી. ર૦૦૯ના વર્ષથી કરાયેલ હુમલાઓમાં ૬૬ ટકા પીડિતો મુસ્લિમો હતા. ક્રિશ્ચિયન પીડિતોની સંખ્યા ૧૭ ટકા હતી. જેમની વસ્તી દેશમાં ફક્ત ર ટકા છે અને ૮૦ ટકા હિન્દુઓની વસ્તીમાં ૧૬ ટકા જ પીડિતો હિન્દુઓ હતા. ર૦૧૮માં પ્રત્યેક ચારમાંથી એક હુમલાની ઘટના ધાર્મિક પૂર્વગ્રહના આધારે બની હતી. આંતરજ્ઞાતિય સંબંધોના ૧૭ ટકા કેસો હતા અને ૧પ ટકા હુમલાઓ ગૌરક્ષા સંદર્ભે થયા હતા. વેબસાઈટમાં જણાવ્યું છે કે અમે દેશમાં બનતા બધા જ ગુનાઓનો સંપૂર્ણ રેકર્ડ ધરાવતા નથી. અમે ફક્ત વધી રહેલ ઘટનાઓ બાબત ધ્યાન દોરીએ છે એની પેટર્ન બાબત જણાવીએ છીએ જેથી સરકાર આ બાબત ધ્યાન આપી ગુનાઓને અટકાવવા પગલા લે.