(એજન્સી) લખનૌ, તા.૧૧
ઉત્તરપ્રદેશના ગામમાં માં કાળીની મૂર્તિ સ્થાપિત કરતા રોકવામાં આવતા તેમણે ઈસ્લામ કબૂલ કરવાની ધમકી આપી છે. ગામના લોકોથી ત્રસ્ત આ દલિતોએ વિરોધ નોંધાવતા કહ્યું કે, અમે પણ હિંદુ છીએ, જો અમને મંદિરમાં મૂર્તિ મૂકવા દેવામાં નહીં આવે તો તમામ દલિતો ધર્મપરિવર્તન કરશે. જિલ્લાના ઈનચોલીના રહેવાસી દલિતોએ જણાવ્યું કે, કેટલાક સમય પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે નવરાત્રીના સમયે મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. પરંતુ બુધવારે જ્યારે તેઓ મૂર્તિ સ્થાપિત કરવા ગયા ત્યારે દલિત સમાજના જ અન્ય ચાર-પાંચ લોકોએ આ વાતનો વિરોધ કર્યો. આરોપ છે કે મૂર્તિ સ્થાપનમાં અવરોધ ઊભો કરનાર વ્યક્તિઓ મંદિરની જમીન પર કબજો કરવાના પ્રયાસમાં છે. તેઓ આ જમીન પર પોતાના વાહનો મૂકી તેનો ઉપયોગ પાર્કિંગ તરીકે કરે છે. દલિતોનું કહેવું છે કે જો મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવા દેવામાં નહીં આવે તો ગામના લગભગ પ૦ દલિત પરિવારો ઈસ્લામ ધર્મ સ્વીકાર કરશે. આ મુદ્દે જિલા તંત્રને હસ્તક્ષેપ કરવા માગ કરાઈ છે. આ મુદ્દે જિલ્લાધિકારી રામચંદ્રનું કહેવું છે કે મુદ્દો અમારી જાણમાં છે અને ટૂંક સમયમાં ઉકેલ શોધવામાં આવશે.