તા.ર૭
સુરત શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી સુરત ભાજપના નેતાઓ તેમજ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રનો જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેને કારણે સુરતના પાલ, અડાજણ, પાલનપુર, જેવા વિસ્તારમાં રહેતી સ્થાનિક જનતા પીડાઈ રહી છે. દરરોજ આ વિસ્તારના લાખો લોકો કામ ધંધા અર્થે શહેરના અન્ય વિસ્તારોમાં અવરજવર કરતા હોય છે. પરંતુ સ્ટાર બજાર, કેબલ બ્રિજ તેમજ પાલ-અડાજણ બ્રિજનું ૯૦ ટકા કામ પૂર્ણ થયા હોવા છતા સુરત મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્રની અનિર્ણાયકતાને કારણે લાખો લોકો દરરોજ ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. આમ છતાં પણ સુરત ભાજપ શાસકોનું પેટનું પાણી હલતું નથી. જેથી સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા પાલ-ઉમરા બ્રિજના પાલ નાકા પાસે ‘સદબુધ્ધિ હવન’ અને ધરણા કરી શ્રાવણ માસમાં કુદરત આવા શાસકો અને વહીવટી તંત્રને પ્રજાહિતમાં કામ કરવાની સદબુધ્ધિ આપે અને પ્રજા માટે સદભાવના જાગે તેવા શુભ આશયથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર સુરત શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ તેમજ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.