માંગરોળ, તા.૨૪
માંગરોળ પીજીવીસીએલની ઘોર બેદરકારીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા એક વર્ષથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રેગ્યુલર પાવર સપ્લાય પૂરો પાડવામાં માંગરોળ પીજીવીસીએલ સદંતર નિષ્ફળ રહ્યું છે. પ્રિ-મોન્સુન કામગીરીના નામે લાખો રૂપિયાના ઘૂમાડા કરવા છતાં ચોમાસાના ચાર છાંટા પડે કે ટપો ટપ પાવર બંધ કરી દેવાઈ છે. અસંખ્ય ફોલ્ટ અને અઢળક ફરિયાદો વચ્ચે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી બેચેન લોકો પર પીજીવીસીએલની ઘોરનિંદ્રાએ લોકોની મુશ્કેલી બમણી કરી દીધી છે. અસહ્ય ગરમીમાં શહેરી વિસ્તારોમાં વારંવાર વિજ ધાંધિયા લોકોને ઘરોની બહાર નીકળી જવા મજબૂર કરી દે છે. તો બીજી બાજુ અનેક વાર વિજ ફોલ્ટ લખાવવા છતાંય માંગરોળ પીજીવીસીએલ દ્વારા કોઇ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી. હેલ્પલાઈન નંબર ફોન રીસીવ થતાં નથી તો જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી. ક્યારેક ફોન ઉપાડી પણ જાય તો સ્પષ્ટ જણાવી દે છે કે અમારી પાસે વાહન કે માણસો નથી. આવી અનેક પ્રકારની સમસ્યાઓથી ત્રસ્ત થઈ માંગરોળના ગોરેજ, શાહપુર અને કામનાથ રોડ વિસ્તારના લોકો પોતાની ફરિયાદ કરવા રાત્રે પીજીવીસીએલ કાર્યાલયે એકઠા થયા હતા. પરંતુ ત્યાં પણ તેઓને કોઈ જવાબ ન મળતાં આખરે હોબાળો મચાવી પીજીવીસીએલનો ઘેરાવ કર્યો હતો. આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સદંતર પાવર સપ્લાય બંધ છે. આઠ કલાક પૂરો પાવર આપવામાં આવતો નથી. જ્યોતિ લાઈનમાં પાવર આવતો જ નથી. એવી જ રીતે માંગરોળના કોટળા વિસ્તારમાં જયોતિગ્રામ હોવા છતાં છેલ્લા પંદર દિવસથી પાવર સપ્લાય બંધ હોવાથી તે ગ્રામજનોએ પણ વહેલી સવારે પીજીવીસીએલમાં ધરણા કર્યા હતા.
માંગરોળ PGVCL સામે ગ્રામજનોએ ધરણા કરી દેખાવો કર્યા

Recent Comments