અમદાવાદ, તા.૨૪
રાજયના ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને પગલે ધરોઈ ડેમની સપાટીમાં વધારો થતા સાબરમતી નદીમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેને પગલે અમદાવાદના ફતેવાડી,દસ્ક્રોઈ અને વટવાના લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. રાત્રે ૧૦ કલાક સુધીમાં સાબરમતી નદીમાં ધરોઈમાંથી છોડવામાં આવનાર ૫૦,૦૦૦ કયુસેક પાણી પહોંચવાની સુચનાને પગલે અમદાવાદ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ તંત્રને એલર્ટના આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ વોક-વે બંધ કરી ફાયરના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલી આવકને પગલે ઉત્તર ગુજરાતમાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.રાજયના સિંચાઈ વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,ધરોઈ ડેમમાં બપોરે પાણીની સપાટી બપોરે ત્રણ કલાકે ૬૧૧.૧૫ ફૂટ પર નોંધાવા પામી હતી.હાલ ધરોઈ ડેમમાં પાણીની આવક એક લાખ ૪૫ હજાર કયુસેક થઈ રહી છે જેના પરિણામે રાત્રે ૧૦ના સુમારે ડેમની પાણીની સપાટી વધીને ૬૧૭ ફૂટ ઉપર પહોંચશે.આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ૫૦,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે.સિંચાઈ વિભાગની આ સુચના બાદ અમદાવાદ જિલ્લા કલેકટર તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને એલર્ટના આદેશ આપવામાં આવતા જિલ્લાના ફતેવાડી, દસ્ક્રોઈ, વટવા, વાડજ રામાપીરના ટેકરા સહીતના નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે.આ સાથે જ તંત્ર તરફથી ફતેવાડી વિસ્તારમાંથી ૩૫૦ લોકો અને દસ્ક્રોઈ વિસ્તારમાંથી ૧૫૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.