(એજન્સી) તા.૪
દેશમાં અનેક માનવ અધિકાર કાર્યકરો અને વકીલોની અણધારી અને બિનલોકશાહી ધરપકડ બાદ ભારતીય ઇતિહાસકાર ડો. રામચંદ્ર ગુહા એવી પ્રથમ વ્યક્તિમાંના એક છે કે જેમણે આ ધરપકડોને વખોડી કાઢતું એક કડક જાહેર નિવેદન કર્યુ હતું અને તેમને બિનલોકતાંત્રિક ગણાવી હતી. અત્રે રામચંદ્ર ગુહા સાથેની મુલાકાતના મુખ્ય અંશો પ્રસ્તુત છે.
માનવ અધિકાર કાર્યકરોની ધરપકડ બાદ તમે એક કડક નિવેદન જારી કર્યું હતું. આપને શા માટે આ મુદ્દે રોષ આવ્યો છે ?
જેમની ધરપકડ કરવામાં આવી છે તેમને યુએપીએ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાંના ઘણાની રાજનીતિ સાથે હું સંમત નથી પરંતુ એક હકીકત છે કે આમાંના કોઇ ત્રાસવાદી નથી કે જેમણે દેશ સામે યુદ્ધ છેડ્યું હોય. આ સત્તાનો બેફામ દુરુપયોગ છે. સરકાર દ્વારા કાયદો અને પોલીસદળોનો આ દુરુપયોગ છે.
શું તમારું માનવું છે કે હજુ આનાથી વધુ ખરાબ દિવસો આવી રહ્યા છે ?
અત્યારે આ તબક્કે કહી શકાય નહીં પરંતુ સુપ્રીમકોર્ટ હવે લગામ કસે અને આ બાબતની સમીક્ષા કરે એ અનિવાર્ય છે.
તમે આદિવાસીઓના જમીનના અધિગ્રહણની વાત કરી હતી. શું તમારું માનવું છે કે કોર્પોરેટ દ્વારા જમીનના અધિગ્રહણનો મુદ્દો આ ધરપકડ પાછળ મુખ્ય મુદ્દો છે ?
અલબત સુધા ભારદ્વાજ જેવા લોકોને આદિવાસી જમીન અને સંસાધનોના અધિગ્રહણ કરતા કોર્પોેરેટ સામે લડત આપવા બદલ ફસાવવામાં આવ્યા છે.
શું આપને તમારી પોતાની સુરક્ષાનો ડર છે ? શું તમને પણ નિશાન બનાવવામાં આવ્યા છે ?
હું મારી સુરક્ષા અંગે ચિંતા કરતો નથી પરંતુ સુધા ભારદ્વાજ જેવા લોકોની ચિંતા સામે મારી ચિંતા ઘણી હળવી છે.
શું આ લોકતંત્ર પર હુમલો છે ?….ભારત તેની સામે ટકી શકશે ?
આ લોકતંત્રનું ખવાણ છે, કાયદા પરના પ્રહારો છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલાસમાન છે કે જેની સામે લડવું જોઇએ.