(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્ય ધારશી ખાનપુરાએ કરેલી પ્રોક્સીની માંગ સ્વીકારવામાં ન આવતા ભારે વિવાદ થયો હતો અને વૃદ્ધ ધારાસભ્ય ધારશીભાઈએ સહાયકની મદદ વિના જ મત આપવાની ફરજ પડી હતી.
આ અંગે ધારશીભાઈ ખાનપુરા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના જમણા ખભામાં તકલીફ હોવાથી હાથ બરાબર કામ કરતો નથી. આથી મતદાન કરતી વખતે આડુંઅવળું ન થઈ જાય તે માટે તેમણે પ્રોક્સીની માંગ કરી હતી. પરંતુ ભાજપે તેનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે નિયમ મુજબ ત્રણ દિવસ પહેલાં પ્રોક્સીની માગ કરવી પડે જ્યારે ધારશીભાઈ ખાનપુરાની માગ અંતિમ સમયે આવી હોવાથી સ્વીકારી શકાય નહીં તેમ જણાવી વિરોધ નોંધાવ્યો હતો.
જ્યારે આનો બચાવ કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે આ અગાઉ ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીની પ્રોક્સીની માંગ સ્વીકારવામાં આવી હતી. તો અમારી કેમ નહીં ? જો કે ધારશી ખાનપુરાની માગ સ્વીકારમાં ન આવતા તેમણે દુઃખતા હાથે ભારે તકલીફથી વોટ આપ્યો હોવાનું જણાવ્યું હતું.