(એજન્સી) તા.ર૬
છેલ્લે ઓક્ટોબર ર૦૧રથી દમાસ્કસના બહાર આવેલા પૂર્વ ઘૌતા શહેરમાં ચાર લાખથી વધુ નાગરિકો ફસાયેલા છે. સીરિયાના નેટવર્ક ફોર હ્યુમન રાઇટ્‌સે આ માહિતી આપી હતી જેમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી પૂર્વ ઘૌતા શહેરમાં લગભગ ૩૯૭ નાગરિકોનાં ભૂખને કારણે મોત થઇ ગયા છે. માનવાધિકાર સંગઠને વધુ માહિતી આપતાં જણાવ્યું કે સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા આ નાગરિકોમાં ૩૯૭ લોકોનાં મોત ખોરાક અને દવાની અછતને કારણે થયા છે. તેમણે જણાવ્યું કે આ લોકોમાં ર૦૬ જેટલા તો ફક્ત બાળકો જ છે જ્યારે ૬૭ જેટલી મહિલાઓ પણ મૃતકોમાં સામેલ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સીરિયાની સરકારે અલ ઘૌતા પરના પ્રતિબંધો વધુ આકરા બનાવ્યા હતા અને ઓક્ટોબર ર૦૧૩માં તેની પકડની અસર જોવા મળી હતી. જોકે નેટવર્કે જણાવ્યું કે ર૦૧પની શરૂઆતમાં હથિયારધારી વિદ્રોહી સમૂહો અને સીરિયાની સરકાર વચ્ચે થયેલા કરાર અનુસાર અલ વાફીદેન શરણાર્થી કેમ્પમાં ખોરાકનો પુરવઠો પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું કે કેટલોક ખોરાક તો ઘૌતાના પાડોશી વિસ્તાર અલ કાબુન, બરઝા અને તિશરીન વિસ્તારોમાંથી ટનલ મારફતે પહોંચાડવામાં આવતો હતો. જોકે સરકારના સુરક્ષાદળોએ અહીં આક્રમણ કરીને ૧૮ ફેબ્રુઆરી ર૦૧૭ના રોજ ઘણી ટનલો બંધ કરી નાખી હતી. તેમણે અલ વાફીદીન સરહદે આવેલી ટનલ પણ માર્ચ મહિનામાં જ હુમલો કરીને બંધ કરી નાખી હતી. જોકે આ કડક માપદંડો અને પ્રતિબંધોને કારણે ફૂડ સપ્લાય ખોરવાઇ હતી અને તેના કારણે જ દૂધ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ અહીંના નાગરિકો માટે દુર્લભ બની ગઇ હતી. નેટવર્કે જણાવ્યું કે અહીંના લોકો હવે ઘાસના પાંદડા ખાઇને પણ ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં જ બે દિવસમાં બે બાળકોનું કુપોષણને કારણે નિધન થઇ ગયું હતું.