(એજન્સી) બૈરૂત,તા. ર૬
ધી સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્‌સ સંસ્થાના જણાવ્યા પ્રમાણે બળવાખોરો હેઠળના પૂર્વ ઘૌતા પ્રાંતમાં રાત્રિ દરમિયાન કરાયેલા હવાઇ હુમલામાં આઠ લોકોનાં મોત થયાના સમાચાર મળ્યા છે. આ વિસ્તારમાં પ્રથમ વખત કોઇ નાગરિકની જાનહાનિ થઇ છે. આ વિસ્તાર દિમશ્ક નજીકના બળવાખોરોના ગઢ સમાન વિસ્તાર છે. જોકે શનિવારે જ અહીં યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ હવાઇ હુમલામાં અરેબિન શહેરને નિશાન બનાવાયું હતું. જેમાં ૩૦થી વધુ નાગરિકોને પણ ઘાયલ કરવામાં આવ્યા છે. દિમશ્ક શહેરના સિવિલ ડિફેન્સના અધિકારીઓએ આ વિસ્તારમાં બચાવ કાર્યવાહી શરુ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં પાંચ બાળકો સહિત બે મહિલાઓનો પણ ભોગ લેવાઇ ગયો છે. સિવિલ ડિફેન્સના ફેસબુક એકાઉન્ટ પર આપેલી માહિતી પ્રમાણે ઘાયલોની સંખ્યા જણાવાઇ છે જ્યારે પ૦થી વધુ ગુમ જણાવાયા છે. આ હવાઇ હુમલો લગભગ ૧૧ વાગ્યાના સુમારે કરવામાં આવ્યો હતો. જોકે આ હુમલા અંગે સીરિયાની સેના દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. જોકે સ્ટેટ મીડિયા દ્વારા પણ તેના વિશે કોઇ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા નથી. ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું કે આ પ્રથમ વખત કોઇ નાગરિકનો ભોગ લેવાઇ ગયો છે. હવાઇ હુમલા પર સીઝફાયર કરાર બાદથી પ્રથમ વખત કરવામાં આવ્યો છે. પ્રેસિડેન્ટ બશર અલ અસદના ગઠબંધનવાળી રશિયાની સેનાએ પૂર્વ ઘૌતા વિસ્તારમાં સેના તહેનાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે શનિવારે જ સીરિયાની સેનાએ યુદ્ધ વિરામ અંગે જાહેરાત કરી હતી. સીરિયાની આર્મી રશિયા અને ઇરાનની સેના સાથે ગઠબંધન કરી આતંકીઓનો સામનો કરી રહી છે. જેમાં તેણે હુમલા કરીને દરાયા અને મોદમિયા વિસ્તારો પર ફરી કબજો જમાવી લીધો છે.