અમદાવાદ,તા.પ
ગુજરાતની રાજ્યસભાની બે સીટો માટે પેટાચૂંટણીમાં કોંગ્રેસના વ્હીપ જાહેર કર્યા બાદ પણ કોંગ્રેસના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ બન્નેએ ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને કોંગ્રેસમાં માનસિક ત્રાસ ભોગવતો હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ આખરે કોંગ્રેસના બાગી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપી દીધું છે. બન્ને નેતાઓએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે મારા માથેથી સૌથી મોટો બોજો ઉતર્યો છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય નેતૃત્વ નિષ્ફળ ગયું છે. જેના કારણે મેં અને ધવલસિંહે કોંગ્રેસના એમએલએ પદેથી રાજીનામું આપ્યું છે. બીજી બાજુ અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું કબલ્યું હતું. અલ્પેશે ઘટસ્ફોટ કર્યો કે, હું જ્યારથી કોંગ્રેસમાં જોડાયો ત્યારથી માનસિક ત્રાસ ભોગવતો હતો. અલ્પેશે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રાજનીતિ પર આશા હતી. પરંતુ અમારા માણસોનું કોઇ કામ નથી થયું તેથી રાજીનામું આપી દીધું છે.’ કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી મારી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હતું. કોંગ્રેસ મને ખોટી રીતે બદનામ કરતી હોવાનો આક્ષેપ કરી જણાવ્યું કે, આજની રાજ્યસભાની ચૂંટણીમાં થયેલા મતદાનમાં મેં મારા અંતર આત્માના અવાજથી દેશના નેતૃત્વને મારો મત આપ્યો છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હું માનસિક ત્રાસથી મુક્ત થયો છું અને આવનાર દિવસોમાં મારા સમાજ તેમજ ગરીબ વંચિતોના લાભ માટે યોગ્ય નિર્ણય કરીશ અને પ્રજા માટે કામ કરીશ. આજે મારા પરથી ખૂબ ભાર ઓછો થયો છે. ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપ્યાં બાદ તેમણે કહ્યું કે, ‘પ્રજાનું કામ કરવાની અને પ્રજા સાથે કામ કરવાની તમન્ના હતી. પરંતુ આવું ન થતાં કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.’