દામ્બુલા,તા.ર૧
શિખર ધવને ફરીથી આક્રમક અંદાજમાં અણનમ ૧૩ર રન બનાવ્યા અને કપ્તાન કોહલીએ ધવનની જોરદાર પ્રશંસા કરતા આશા વ્યક્ત કરી કે આ ઓપનરનું ફોર્મ લાંબા સમય સુધી યથાવત રહે જેનાથી ટીમને વિજયી અભિયાન જાળવી રાખવામાં મદદ મળશે. ધવને ૯૦ બોલમાં રમેલી તોફાની ઈનિંગ અને કોહલી (અણનમ ૮ર) સાથે તેની ૧૯૭ રનની અણનમ ભાગીદારીથી ભારતે પ્રથમ વન-ડેમાં શ્રીલંકાને નવ વિકેટે પરાજય આપ્યો. શ્રીલંકાની ટીમ આ પહેલા સારી શરૂઆત છતાં ર૧૬ રનમાં સમેટાઈ ગઈ. કોહલીએ મેચ બાદ કહ્યું કે શ્રીલંકાએ સારી શરૂઆત કરી હતી. લાગતું હતું કે અમને ૩૦૦ની આસપાસ લક્ષ્યાંક મળશે. પિચ બેટિંગ માટે સારી હતી. ધવને આ પહેલા ટેસ્ટ સિરીઝમાં પણ બે સદી ફટકારી હતી અને કોહલીએ તેની પ્રશંસા કરવામાં કોઈ કસર છોડી નથી. કોહલીએ કહ્યું કે અમારું ફોક્સ ઈંગ્લેન્ડમાં રમાનાર વન-ડે વિશ્વકપ ઉપર છે અને બધા ખેલાડીઓને તક આપવા માટે આગામી મેચોમાં ટીમમાં ફેરફાર કરવામાં આવશે.