(એજન્સી) મુંબઇ, તા. ૧૦
ડીએચએફએલ અને યસ બેંક કૌભાંડની તપાસના રડારમાં રહેલા કપિલ અને ધીરજ વાધવાને દેશવ્યાપી કોરોના વાયરસ લોકડાઉનનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે તેમની સાથે તેમનો ઇટાલિયન બોડીગાર્ડ પણ હતો. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત દેશ ઇટાલી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તેમને દેશમાં સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રની રાજ્ય સરકારના સિનિયર અધિકારી દ્વારા મુંબઇથી મહાબલેશ્વર જવા માટે પાસ ઉપલબ્ધ કરાવાયા હતા. કપિલ અને વાધવાન મુંબઇથી મહાબલેશ્વર ખાતેના પોતાના ફાર્મહાઉસ જવા ૨૫૦ કિલોમીટરનું અંતર કાપીને જવા માટેના આરોપી છે. બંનેને મહારાષ્ટ્રના સતારામાંથી પકડી લેવામાં આવ્યા હતા. બંને મુંબઇથી મહાબલેશ્વર જવા માટે પાંચ કારોમાં રવાના થયા હતા જ્યારે કોરોના વાયરસ લોકડાઉનને પગલે સતારા અને પૂણે જિલ્લા સંપૂર્ણ બંધ હતા. તેમની સાથે તેમનો ઇટાલીનો બોડીગાર્ડ પણ હતો. અહેવાલ અનુસાર પોલીસે તેમના ફાર્મહાઉસમાંથી બોડીગાર્ડ અને નોકરો સહિત વાધવાન પરિવાર સાથે ૨૩ લોકોને હિરાસતમાં લીધા હતા.મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું છે કે, આ ઘટનામાં તપાસ કરાશે. તેમણે ટિ્‌વટર પર કહ્યું કે, વાધવાન પરિવારને ખંડાલાથી મહાબલેશ્વર જવા માટેની પરવાનગી આપવા મુદ્દે તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, કપિલ અને ધીરજ વાધવાન બંને યસ બેંક તથા ડીએચએફએલ કૌભાંડના આરોપી છે. સ્થાનિક લોકોએ તેમને ફાર્મહાઉસમાં જોતા હોબાળો મચાવ્યો હતો જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. વાધવાનને આઇપીએસ રેન્કના અધિકારી દ્વારા સ્પેશિયલ પાસ ઉપલબ્ધ કરાયા હતા. બાદમાં દેશમુખે કહ્યું કે, આ ઘટનામાં મુખ્ય સચિવ અમિતાભ ગુપ્તાને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે જેથી તપાસ યોગ્ય દિશામાં થઇ શકે.

DHFLના પ્રમોટર્સને પ્રવાસનો મંજૂરીપત્ર આપવા બદલ મહારાષ્ટ્ર સરકારના ટોચના અધિકારીને રજા પર ઉતારી દેવાયા

મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન નિયમોના લીરેલીરા ઉડાવવા મામલે મોટી કાર્યવાહી કરાઇ છે. વાધવાન પરિવારને મુંબઇથી મહાબલેશ્વર જવાની પરવાનગી આપવાને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગૃહ વિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાને તાત્કાલિક અસરથી ફરજિયાત રજા પર ઉતારી દીધા છે. આ અંગેની માહિતી મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપી છે. મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જ લોકડાઉન નિયમ તોડવા અંગે કાર્યવાહી કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વિભાગના વિશેષ સચિવ અને એડિશનલ ડીજીપી અમિતાભ ગુપ્તાને તાત્કાલિક અસરથી ફરજિયાત રજા પર ઉતારી દીધા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટિ્‌વટર પર આપી હતી. તેમણે ટિ્‌વટર પર લખ્યું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા બાદ મુખ્ય સચિવ અમિતાભ ગુપ્તાને તપાસ થવા સુધી ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે. જેનાથી તેમની સામે કાર્યવાહી કરી શકાય. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાસૌથી વધુ કેસો છે અને ત્યાં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. તેવા સમયે રાજ્યના ગૃહ વિભાગે એક બે નહીં પણ પાંચ કારોની સાથે બિઝનેસ સમૂહ વાધવાન ગ્રૂપ(એચડીઆઇએલ, ડીએચએફએલ કંપની)ના પરિવારના કાફલાને મુંબઇથી મહાબલેશ્વર જવાની પરવાનગી આપી દીધી હતી. આ પરિવાર બાંદ્રાના પાલીહિલ વિસ્તારમાં રહે છે. વાધવાન પરિવારના સભ્ય, નોકરો અને બોડીગાર્ડ સહિત ૨૩ લોકો ચાર ગાડીઓના કાફલામાં મહાબલેશ્વર પહોંચી ગયા હતા. પરંતુ સ્થાનિકો દ્વારા લોકોની ભીડ જોતાં ફરિયાદ કરાતા તમામ લોકોને હિરાસતમાં લેવાયા હતા.