(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૭
ધ્રાંગધ્રા-હળવદમાં દરબારો અને ભરવાડો વચ્ચેના ધીંગાણાનો મામલો શમવાનું નામ લેતો નથી. આ બનાવમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થવાને પગલે ભરવાડ-માલધારી સમાજમાં ઉગ્ર રોષ વ્યાપી રહ્યો છે તેઓ દ્વારા વિરોધાત્મક કાર્યક્રમો સાથે રજૂઆતો કરવામાં આવી રહી છે અને તેમાં રાજ્યના અન્ય વિસ્તારો પણ જોડાઈ રહ્યા છે. રોષે ભરાયેલ માલધારી સમાજે તો દરબારો દ્વારા કરાયેલ હુમલા અને હત્યાનો બનાવ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ઈશારે બન્યો હોવાનો સીધો આક્ષેપ કરી તેઓને પદ ઉપરથી હટાવવાની ઉગ્ર માગણી કરી છે. ઝાલાવાડ પંથકના ધ્રાંગધ્રા-હળવદ માલધારીઓ ઉપર હુમલા અને હત્યાના બનાવના પડઘારૂપે ભરૂચ જિલ્લા માલધારી સમાજે પણ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી છે. તાજેતરમાં તારીખ ૧૩-૦૭-૨૦૧૭ના રોજ ઝાલાવાડ પંથકના ધ્રાગધ્રા-હળવદ વિસ્તારમાં માલધારીઓ ઉપર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા માલધારીઓની પવિત્ર જગ્યા ગોપાલધામ તેમજ ગોપાલ છાત્રાલયમાં નિર્દોષ માલધારીઓ ઉપર હુમલો કરી ત્રણ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત નિર્દોષ માલધારીઓને મારી કેટલાય વાહનો સળગાવી દીધા હતા, જેની સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માલધારી સમાજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. માલધારી સમાજના આવેદન પત્રમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. ઈન્દ્રસિંહ ઝાલાના બેસણામાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ગુજરાત સરકારમાં બેઠેલા કેબિનેટ કક્ષાના ક્ષત્રિય આગેવાનો હાજર હતા અને તે બેસણામાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો હાજર હતા, જે ઘટના બની છે તેને પ્રદીપસિંહ જાડેજાની મૂક સંમતિ છે જેથી કરીને બેવડી હત્યાનો બનાવ રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે બન્યા હોવાના આક્ષેપો આવેદન પત્રમાં માલધારી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે. આ આવેદન પત્રમાં માંગ કરવામાં આવી હતી કે, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ કાવતરામાં સામેલ હોઈ તેઓને પણ આરોપી તરીકે જોડવા અને તાત્કાલિક અસરથી ગૃહમંત્રી પદેથી તેઓને હટાવવામાં આવે. જો આમ નહીં કરવામાં નહીં આવે તો માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીને છોડી દેશે અને જિલ્લે-જિલ્લે તેમજ ગામે ગામ જઈને ભાજપ વિરૂદ્ધ રેલીઓ યોજી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ આવેદન પત્રમાં વધુમાં જણાવાયું છે.