Ahmedabad

રાજ્યના ૧પ જિલ્લાના ૪૮ તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ

અમદાવાદ, તા.૨૬
રાજ્યમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર છે તો ક્યાંક ધીમીધારે મેઘો મહેર વરસાવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદ નોંધાયો છે. છેલ્લા ર૪ કલાકમાં ૧પ જિલ્લાના ૪૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
અરવલ્લીમાં ગઈકાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે જિલ્લામાં ધનસુરા, ભિલોડા, બાયડ, મોડાસા, મેઘરજ, માલપુરમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા હતા. ભિલોડા પંથકમાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભિલોડામાં બુઢેલી નદીના પ્રવાહમાં વધારો થયો છે ત્યારે ભિલાડોમાં છેલ્લાં બે કલાકમાં ૪૩ ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. ત્યારે તંત્ર દ્વારા કાંઠાના ૧૦ ગામોને એલર્ટ કરી દેવાયા છે. મામલતદારે તમામ તલાટીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અન્ય સ્થળોની વાત કરીએ તો અંબાજી, પાટણ, રાધનપુર, ચાણસ્મા, સૌરાષ્ટ્રમાં જામનગર, ખંભાળિયા, દેેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર સહિતના પંથકમાં વરસાદ વરસ્યાના અહેવાલો સાંપડ્યા છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સુરત, ચીખલી, વાપી, ઉમરપાડા, વાંસદા, કામરેજ, કરજણ, વાઘોડિયા, અંકલેશ્વર, ગણદેવી, કપરાડા, વડોદરા, વધઈ સહિતના વિસ્તારોમાં ૧થી પ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા જ્યારે ડાંગના સુબીરમાં પણ બે ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે, હજુ પણ ૭૦ તાલુકાઓ કોરા રહ્યા છે. ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસાનું પ્રભૂત્વ જામી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી ૪ દિવસ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પહેલી અને બીજી જુલાઈએ ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાત અને પાસેના દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશમાં દરિયાની સપાટીથી ર.૧ અને ૪.પ કિલોમીટરે અપર અને સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આ સિવાય કચ્છ અને તેની પાસેના દક્ષિણ પાકિસ્તાનમાં અપર સાયક્લોનિક સરક્યુલેશન છે. જેના કારણે આજે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.

નદીનું પાણી ખેતરમાં ઘૂસતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો : ર૦ ગામ સંપર્કવિહોણા

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ભિલોડાની બુઢેલી નદી પર આવેલો પૂલ તૂટ્યો છે. એક વર્ષ પહેલાં એક કરોડના ખર્ચે પૂલ બનાવવામાં આવ્યો હતો. પહેલાં વરસાદમાં પૂલ તૂટવાના કારણે ૨૦થી વધારે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. પૂલ તૂટવાના પગલે વહીવટી તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી છે જ્યારે કે નદીનું પાણી પાળ તોડીને ખેતરમાં ઘૂસી જતા ધરતી પુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અરવલ્લીની હાથમતી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે. રાજસ્થાનના ઉદેપુર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. જેથી હાથમતી સહિતની સાબરકાંઠાની સરહદી પંથક વિસ્તારમાં આવેલી નદીમાં નવા નીર આવ્યા છે. હાથમતી નદીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. ઘોડાપુરની સ્થિતિને લઈને નીચાણવાળા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે.