(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૧૦
મોંઘવારી વિરૂધ્ધ આજે ભારત બંધના કોંગ્રેસે આપેલા એલાન સંદર્ભે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. સવારથી જ બજાર વિસ્તારો સહિતના ઘણા વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી. તો અમુક વિસ્તારો ખુલ્લા હતા. ધોળકા એસ.ટી. ડેપો તંત્ર દ્વારા તકેદારીના પગલાંરૂપે આજે સવારથી જ એસટી બસોનું સંચાલન બંધ રાખવામાં આવ્યું હતું. સવારથી બસો બંધ રહેતા ધોળકાથી અમદાવાદ, ખેડા, બગોદરા, વટામણ તરફ જવા માગતા મુસાફરો રઝળી પડયા હતા. દરમ્યાન ધોળકા પોલીસને એવી બાતમી મળી હતી કે કોંગ્રેસના કાર્યકરો દુકાનો બંધ કરાવવા નીકળવાના છે. આથી ધોળકા ટાઉન પીઆઈ એલ.બી. તડવી તથા સ્ટાફના માણસોએ અટકાયત કરી હતી. જેમાં હરિશ પરમાર, ફિરોઝખાન પઠાણ, મનસુરખાન તાલુકદાર, મુબીન મોમીન, શંકરભાઈ સોલંકી, નાનુભાઈ મકવાણા, મનિષભાઈ મકવાણા, જગદીશ પાઠક, પંકજકુમાર ઝાલા, દસ્તગીર પાનારા, મશઉદખાન તાલુકદાર, દિનેશકુમાર સોયંતર, દિનેશભાઈ મકવાણા, અશ્વિનભાઈ સોનારા, ઝૈદખાન તાલુકદાર, તોફીક બેલીમનો સમાવેશ થાય છે. ધોળકાના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ એલ.બી. તડવી તથા સ્ટાફે બંદોબસ્ત ગોઠવેલ.