(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૧
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે બસ સ્ટેન્ડ નજીક આવેલા હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સૂફી સંત હઝરત ખ્વાજા હસન ખતીબ ચિશ્તી (ર.અ.) ઉર્ફે હઝરત શાહ દાદાના વાર્ષિક ઉર્સનો ભવ્ય પ્રારંભ થયો છે. સંદલ શરીફ, કુર્આન ખ્વાની અને સુફિયાના કવ્વાલીના કાર્યક્રમો કોમી એખલાસના વાતાવરણમાં યોજાયા હતા. આ ઉર્સ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરગાહશરીફ ખાતે પહોંચી ફૈઝ હાંસલ કર્યો હતો. દરગાહ ઉપર લગાવવામાં આવેલ રોશનીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. દરગાહના બુલંદ દરવાજા તથા ગુંબજ ઉપર રોશનીમાં ત્રિરંગો લહેરાતો દેખાય છે. આમ ધોળકાની હઝરત શાહ બાવા(ર.અ.)ની દરગાહના ઉર્સમાં દેશભક્તિનો જુવાળ ઉમટી પડ્યો છે. આ રોશનીનો વીડિયો ગામમાં વાયરલ થતાં રાષ્ટ્રપ્રેમની ભાવના મુસ્લિમોમાં વધુ બળવતર બની છે. ધોળકા સ્થિત પીર હઝરતશાહ દરગાહ કમિટીની લાઈટ કમિટીના તમામ ઈલેક્ટ્રીશિયન ભાઈઓએ આ અનેરી અને પ્રેરણાત્મક રોશની કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી.