(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૮
અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર અને તેની આસપાસના ગામડાઓમાં આજે બપોરે ભયંકર વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડતાં વ્યાપક નુકસાન થયું છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વીજ થાંભલા તૂટી પડ્યા છે. કેટલાક મકાનોના પતરા ઊડી ગયા છે. પીસાવાડા નજીક રિક્ષા ઉપર ઝાડ પડતાં એક મુસાફરને ગંભીર ઈજા પહોંચી છે. ૧પ મિનિટમાં ધોધમાર વરસાદ પડતાં ધોળકા બજારમાં નીચી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો.
ધોળકા પંથકમાં સોમવારે બપોરે આશરે ત્રણ વાગ્યે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોત જોતામાં ઝંઝાવાતી પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોળકા શહેરમાં વાવાઝોડું ત્રાટકતાં રાધનપુરીવાડ, હસનઅલી હાઈસ્કૂલ, પીરમુરાદ મોહલ્લા, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડ્યા હતા. હસનઅલી હાઈસ્કૂલના પાર્કિંગમાં લીમડો ધરાશાયી થતાં એક કાર અને સ્કૂટરને નુકસાન થયું છે. ધોળકા જૂના બસ સ્ટેન્ડના અમુક પતરા ઊડી ગયા છે. જાહેરાતના હોર્ડિંગ્સ દૂર ફંગોળાઈ ગયા છે. મીરકૂવા મોહલ્લામાં મકાનના પતરા ઊડયાના અહેવાલ છે. વીજ પુરવઠો પણ વાવાઝોડાના કારણે ખોરવાયો હતો. ૧પ મિનિટમાં આશરે એક ઈંચ જેટલો વરસાદ વરસી જતાં બજારમાં નીચાણવાળી દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. રાધનપુરીવાડ, મદારઓટા, લોધીના લીમડા, મોહંમદી સ્કૂલ પાસે બે ફૂટ સુધીનાં પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વાહનવ્યવહારને અસર થઈ હતી. ધોળકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. ધોળકા- વટામણ રોડ પર ચલબલ શેઠના ખેતર પાસે વીજ થાંભલા તૂટી પડ્યા છે. આથી વીજ પુરવઠો ખોરવાયો છે. તો ધોળકા ઈંગોલી રોડ પર ૧૦થી ૧પ વૃક્ષો તૂટી પડ્યાના વાવડ છે. પીસાવાડા નજીક એક રિક્ષા ઉપર ઝાડ પડતાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા વીરડી ગામના અમૃતભાઈને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે. ધોળકા ખાતે પ્રહલાદ ગેટ પોલીસ ચોકી નજીક કુમાર શાળા નંબર-૩માં એક વૃક્ષ ધરાશાયી થયું છે. ધોળકા ખાતે જુમ્મા મસ્જિદ સામે બેંક ઓફ બરોડાની જૂની જર્જરિત બિલ્ડીંગનો અમુક ભાગ તૂટી પડ્યો હતો.