નવી દિલ્હી, તા.૧૧
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટી-ર૦ મેચમાં ભારતની હાર માટે જવાબદાર ગણીને પૂર્વ ક્રિકેટરોએ ધોનીની જોરદાર ટીકા કરી છે. ધોનીની ટીકા કરનારમાં લક્ષ્મણ, અજીત અગરકર, આકાશ ચોપડા અને ગાંગુલી સામેલ છે. આ ક્રિકેટરોએ ટી-ર૦માં ધોનીને બહાર કરી કોઈ યુવા ખેલાડીને તક આપવાની વકાલત કરી છે. તો બીજી બાજુ ધોનીની તરફેણ કરનારાની સંખ્યા પણ ઓછી નથી. ધોનીના સપોર્ટમાં સહેવાગ, રવિ શાસ્ત્રી અને પૂર્વ વિકેટ કીપર સૈયદ કિરમાણી ખુલીને સામે આવ્યા છે. કિરમાણીએ તો ધોનીની ટીકા કરવા બદલ અગરકરની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ધોનીની સામે તેની હેસિયત શું છે ? ધોનીના સપોર્ટમાં ગૌતમ ગંભીરનું નામ પણ જોડાઈ ગયું છે. તેણે ધોનીના ટીકાકારોને ટાર્ગેટ બનાવતા કહ્યું કે ધોનીએ ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તે કોઈનાથી છુપાયેલું નથી. તેણે જે સિદ્ધિ મેળવી છે તે બાકીના ક્રિકેટરોના નસીબમાં પણ નથી હોતી તેણે કહ્યું કે દરેક સમયે ટીમ ઈન્ડિયાના પરાજય માટે ધોનીને જવાબદાર ગણાવો ઠીક નથી જ્યારે તેની પ્રશંસા કરવી જોઈએ ત્યારે કોઈ કરતું નથી. ટીકાકારોએ વિચારવું જોઈએ કે એકલો ધોની ટીમમાં નથી રમતો. ધોની સિવાય બાકીના ૧૦ ખેલાડી પણ મેચમાં ઉતરે છે. એટલા માટે હાર-જીત પૂરી ટીમની હોય છે એક ખેલાડીની નહીં.