(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૬
ભારતીય વાયુસેનાએ ગત મોડીરાત્રે POKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી ર૦૦થી વધુ આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો હતો. તો હવમાને ગુજરાત પર સ્ટ્રાઈક કરી હતી આજે વહેલી સવારથી જ રાજ્યના હવમાનમાં પલટો અવતાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક માવઠુ પડ્યું હતું. જ્યારે ક્યાંક ભારે પવન સાથે ધૂલની ડમરીઓ ઉડતા ચોતરફ અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે ઘઉં, જીરૂ, ઈસબગુલ, રાયડો, બટાટા, કેરી જેવા પાકને ભારે નુકસાનની શક્યતા છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર સાઈકલોનિક સરક્યુલેશનની અસરને પગલે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન પલટાયેલું રહેશે. ઉત્તરગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને અનેક વિસ્તારમાં વીજળીના ચમ્કારા સાથે ક્યાંક માવઠું તો ક્યાંક કરા પડ્યા હતા. તો ડીસાના આસપાસનાં વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. અવરલ્લી જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ છવાયું હતું અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના દિયોદર, ભાભર, સુઈગામ સહિતના વિસ્તારોમાં બપોરબાદ ગાજવીજ અને પવન સાથે કમોસમી ઝાપટું પડતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. મહેસાણા જિલ્લાના વિસનગર, ઊંઝા , બહુચરાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ પડતાં જીરૂ, એરંડા, ઈસબગુલના પાકને ભારે નુકસાન થવાની ભીતિને પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ ભારે વાવાઝોડું ફૂંકાતા જીરૂ અને ઘઉં જેવા પાકને નુકસાનની શક્યતા છે. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ સાથે આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. જ્યારે અમદાવાદ જિલ્લાના વિરમગાનમાં પણ ભારે પવન સાથે ધુળીયું વાતાવરણ છવાતા ખેડૂતોના ઉભા પાકને નુકસાનની શક્યતા છે. ઉપરાંત ડાકોરમાં પણ કમોસમી વરસાદના ઝાપટા પડતાં ધરતીપુત્રો તમાકું, ઘઉં, દિવેલા સહિતના પાકને નુકસાનની શક્યતાને પગલે ચિંતામાં મુકાઈ ગયા છે. જ્યારે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગામડાઓ, અબડાસાના ગેડા વિસ્તારમાં તો રાપર અને અંજાર સહિતના વિસ્તારોમાં ક્યાંક માવઠું તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. દરમિયાન બપોર બાદ અમદાવાદ અને ગાંધીનગર શહેર તથા આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયા બાદ હમણાં વરસાદ તૂટી પડશે તેમ જણાતું હતું પરંતુ અચાનક અંધારપટ છવાયા બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોતરફ ધૂળિયું વાતાવરણ છવાઈ જતાં હજારો વાહનચાલકો અને રાહદારીઓ રસ્તામાંજ અટવાઈ પડ્યા હતા. લગભગ અડધો કલાક સુધી ધુળની ડમરીઓ ઉડ્યા બાદ વાતાવરણ સામાન્ય થયું હતું. આમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતના વિસ્તારોમાં કમોસમી માવઠા અને કરાને પગલે ખેતરોમાં ઉભા પાકને નુકસાનની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા પૈઠી છે ક્યાંક ભારે પવન અને વાવાઝોડાને પગલે ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.