(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.રપ
ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના મોહમ્મદ ફૈઝ નામના યુવાનને ગોવાલીથી ધારોલી આવતે વેળા બોરીદ્રા ગામના ૧ર જેટલા ઈસમોએ તેને ઉભો રાખી પ્રેમસંબંધની જૂની અદાવત રાખી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મોહમ્મદ ફૈઝને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતોે. જ્યાં તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સુરત ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.ઝઘડિયા તાલુકાના ધારોલી ગામનો મોહમ્મદ ફૈઝ મોહમ્મદ સુલતાન કુરેશી તેના પરિવાર સાથે ધારોલી ગામે વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ મોહમ્મદ ફૈઝ તેના મોરતલાવ ગામના મિત્ર વિરલ ચતુરભાઈ વસાવા સાથે અંકલેશ્વર તેના બનેવીના ઘરે ગયા હતા. રાત્રીના મોહમ્મદ ફૈઝના મોટાભાઈ મોહમ્મદ સૈફના મોબાઈલ પાર ખર્ચી ગામના તેના મિત્ર અતુલ વસવાનો ફોન આવેલો કે તારા નાના ભાઈ મોહમ્મદ ફૈઝ અને તેના મિત્ર વિરલને ગોવાલીથી બોરીદ્રા થઇ ધારોલી આવતી વેળા બોરીદ્રા ગામની શાળા પાસે કેટલાક ઈસમોએ પકડેલ છે. જેથી મોહમ્મદ સૈફ અને તેના પિતા મોહમ્મદ સુલતાન ગોવાલી થઇ બોરીદ્રા ગામે પહોંચ્યા હતા. ત્યારે મોહમ્મદ ફૈઝ રોડની સાઈડમાં જમીન ઉપર પડેલો હતો અને તેને માથાના, હાથના, પગના ભાગે ઈજાઓ થઈ હતી. મોહમ્મદ ફૈઝ અને તેનો મિત્ર વિરલ જ્યારે બોરીદ્રા ગામેથી પસાર થતા હતા. ત્યારે તેને અગાઉ બોરીદ્રા ગામની યુવતી સાથે પ્રેમ સબંધ હતો તેની અદાવત રાખી માર માર્યો હોવાનું જણાવ્યું હતું. ઈજાગ્રસ્ત મોહમ્મદ ફૈઝને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા ત્યાંથી સુરતની મહાવીર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેણે ૬-૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.મૃતકના મોટાભાઈ મોહમ્મદ સૈફએ બોરીદ્રા ગામના (૧) અજય વસાવા (૨) વિનય વસાવા (૩) વિકાશ વસાવા (૪) દિનેશ વસાવા (પ) અક્ષય વસાવા તથા બીજા પાંચથી છ ઈસમો વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અત્રે નોંધનીય છે કે, જૂના પ્રેમસંબંધની અદાવતમાં આજે આવી સામૂહિક મારપીટ કેમ ! પોલીસ આવા તત્વોને સત્વરે ઝડપી લઈ સબક નહીં શિખવાડે તો સમગ્ર પંથકનું સૌહાર્દપૂણ વાતાવરણ ડહોળાય તો નવાઈ નહીં ! જિલ્લા પોલીસ વડા નસિહતરૂપ કડક કાર્યવાહી કરે તેવી શાંતિપ્રિય જનતાની લાગણી અને માગણી છે.
ઝઘડિયાના બોરીદ્રા ગામે ૧ર જેટલા શખ્સોએ જૂની અદાવતના બહાને ધારોલીના મુસ્લિમ યુવાનને ઢોરમાર મારતાં મોત

Recent Comments