(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૮
ધોળકા નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર માર્ગો અને બજારોમાં રખડતા પશુઓને પાંજરાપોળમાં મૂકી ઢોર માલિકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કરવા છતાં હજી ગામમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. દરરોજ નગરપાલિકાની ટીમે ઢોર પકડવાની કામગીરી કરવી જોઈએ એમ ધોળકાની પ્રજા ઈચ્છી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા નગરમાં જાહેર માર્ગો તથા બજાર વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. પશુપાલકો પોતાની ગાયો તથા આખલાને ગામમાં રઝળતા મૂકી દે છે. ટાવર બજાર, દાણા બજાર, કાથી બજાર, મોચી બજાર, લકી ચોક, ચોકસી બજાર, જામપીઠ, જૂની શાકમાર્કેટ, બસ સ્ટેન્ડ રોડ, મલાવ રોડ, ગનીપુર, બુરૂજ રોડ, કાજી ટેકરા, જુમ્મા મસ્જિદ પાસે, મદાર ઓટા, અલકા રોડ, લોધીના લીમડા, મેનાબેન ટાવર, ખારાકૂવા, નવી નગરપાલિકા પાસે, ખોખર ચકલા, સહિતના વિસ્તારોમાં ગાયો અને આખલા અડીંગો જમાવી રોડ ઉપર બેસી જાય છે. લોકોને અવર-જવર કરવામાં તકલીફ પડે છે. આ ઢોર શિંગડે ભેરવે તેવી દહેશત લોકોને છે. ધોળકા નગરપાલિકાની ટીમે બે દિવસ રખડતા ૩૦ જેટલા ઢોરને પકડીને પાંજરાપોળમાં મૂકી દીધા હતા. ઢોર પકડવાની પાલિકાની કામગીરીને ધોળકાવાસીઓએ આવકારી છે, પરંતુ હજી પણ મોટાપાયે રખડતા પશુઓથી લોકો હેરાન છે.
આથી ધોળકા નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા ચીફ ઓફિસર આ બાબતને ગંભીર ગણી દરરોજ રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ એમ ધોળકાની પ્રજા ઈચ્છી રહી છે.
ધોળકા નગરપાલિકાની ઝુંબેશ છતાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ કેમ ?

Recent Comments