(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા.૨૭
ધોરાજી ખાતે બહારપુરા પાંચ પીરની વાડી વિસ્તારમાં બેફામ ગંદકી ફેલાતા રોગચાળો ફાટવાની દહેશત છે. મોમીનબેન બશીરભાઈ પીંજરા સહિતના સ્થાનિક લત્તાવાસીઓએ ધોરાજીના નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી સાર્વજનિક જગ્યા તથા જાહેરમાં થતી ગંદકી દૂર કરાવવા લેખિત રજૂઆત કરી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે ધોરાજી શહેરમાં હનીફા મસ્જિદ પાછળના ભાગે બહારપુરા પાંચપીરની વાડી વિસ્તારમાં અત્યંત ગંદકી અને કચરાના ઢગલાઓ થાય છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં આ ઢગલાઓ ઉપાડવામાં આવતા નથી. સાર્વજનિક જગ્યામાં માથા ભારે શખ્સો દ્વારા છાણનો મોટો ઢગલો કરવામાં આવે છે. જેને લીધે તેમજ વિસ્તારમાં થતી ગંદકીને લીધે આજુબાજુના લોકોને જીવન મુશ્કેલ બની ગયેલ છે. ગંદકીને લીધે સમગ્ર વિસ્તારમાં ઝીણી-ઝીણી જીવાતોનો ઉપદ્રવ વધી ગયેલ છે. આજુબાજુના વિસ્તારોના લોકો તથા અમારા વિસ્તારના લોકો ભયંકર બીમારીનો ભોગ બનેલ છે. નાના બાળકો તાવ, મલેરિયા, શરદી, ઉધરશ જેવા ભયંકર રોગનો શિકાર બને છે, લોકો બીમારીનો ભોગ બનતા હોય અવાર-નવાર નગરપાલિકાના તંત્રને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. હાલ ચોમાસુ હોય ગંદકીને લીધે રોડ-રસ્તાઓ પણ ખૂબ જ ભયંકર બની ગયેલ છે. તમામ રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા છે. અધિકારીઓ અને સત્તાધીશોના મેલ મેળા પિપણાને લીધે સમગ્ર વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાયું છે. જેથી સત્વરે તાત્કાલિક પગલાં લઈ સાફ-સફાઈ કરવામાં આવે તેવી અમારી લતાવાસીઓની માંગણી છે. અન્યથા ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.