(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
શહેરના અમરોલી વિસ્તારમાં મનિષ ગરનાળા પાસે ઇંડાની લારી ચલાવતા યુવક પાસે ગતરોજ ત્રણ ઇસમો અમરોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા નરેન્દ્ર નામના પોલીસ કોન્સ્ટેબલના નામે જમવા માટે આવ્યા હતા. ત્રણેય ઇસમોએ જમી લેતા લારીનામાલિકે પૈસાની માંગણી કરી હતી. જેથી તેઓએ નરેન્દ્રને ફોન કરતા તે તેના બીજા મિત્રો સાથે લારી પર આવ્યો હતો. જ્યાં તેણે લારીના સંચાલક અને તેના ભાઇને તને બિલ જોઇએ છે. તેમ કહી માર મારી ફોર વ્હીલર ગાડીમાં અમરોલી પોલીસ પોલીસ મથકે લાવી ગેરકાયદેસર રીતે અટકાયત કરી હતી. જેથી આખરે લારી સંચાલકના ભાઇએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ કોન્સ્ટેબલ સહિત સાત સામે ગુનો નોંધી તપાસ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નાના વરાછા ચીકુવાડી પાસે કલ્યાણ કુટિરમાં રહેતો નરેશભાઇ લગરાભાઇ વાળાનો નાનો ભાઇ અમરોલીમાં મનિષા ગરનાળાથી બહાર નવા બ્રીજની બાજુમાં રેમ્બો નામની આમલેટની લારી ચલાવે છે. ગતરોજ તેનો ભાઇ લારી પર હાજર હતો, ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો અમરોલી પોલીસ મથકના કોન્સ્ટેેબલ નરેન્દ્રના નામ પર જમવા માટે આવ્યા હતા. ત્રણેય મિત્રોએ જમી લેતા નરેશના ભાઇએ પૈસાની માંગણી કરી હતી. જેથી ત્રણેય ઇસમોએ નરેન્દ્રને ફોન કરતા નરેન્દ્ર તેના બીજા ત્રણ મિત્રો સાથે ફોર વ્હીલરમાં આવ્યો હતો. ત્યાં આવી નરેન્દ્રએ નરેશના ભાઇને માર માર્યો હતો. આ ઉપરાંત તેની પાસે નરેશને ફોન કરાવી ત્યાં બોલાવ્યો હતો અને નરેશને જણાવ્યું હતું કે, તને બિલ જોઇએ છે તેમ કહીં હું તને બિલ આપું છું અને હવે તું કેમ ધંધો કરે છે એ જોવ છું તેમ કહી નરેશને પણ તમામ આરોપીઓએ ભેગા મળી બોલાચાલી કરી ઢીકા – મુક્કીનો માર માર્યો હતો. બાદમાં ફોર વ્હીલર ગાડીમાં અમરોલી પોલીસ મથકમાં લાવી ગેરકાયદેસર અટકાયત કરી લોકઅપમાં મૂકી દીધો હતો. જેથી આખરે નરેશે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્ર (પોલીસ કોન્સ્ટેબલ, અમરોલી પોલીસ મથક), બુલેટ પર આવેલ કાળું, બીજો અજાણ્યો ઇસમ તથા ફોર વ્હીલર ગાડીમાં આવેલ મયુર તથા બાવચંદભાઇ, અને બીજા બે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ આદરી હોવાનું જાણવા મળે છે.