અમદાવાદ, તા.ર૧
ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે બકરી ઈદ નિમિત્તે કુરબાની કરી શકાય તેવા કાયદેસરના જાનવરો લઈને જતી એક ટ્રકને રોકીને કહેવાતા ગૌરક્ષકોએ ગુંડાગર્દી કરી ડ્રાઈવરને ઢોરમાર મારીને કાયદો હાથમાં લીધો હતો. એટલે કે ફરી એકવાર ગૌરક્ષાના નામે કહેવાતા ગૌરક્ષકો બેફામ બની ગુંડાગર્દી કરી રહ્યા છે ત્યારે સરકાર આવા તત્ત્વો ઉપર લગામ કયારે લગાવશે ? પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે બકરી ઈદ હોવાને લઈને રાજ્યભરમાં કુરબાની માટે કાયદેસરના જાનવરોને હેરાફેરીમાં કનડગન ના કરાય તે માટે મહિના અગાઉ જ રાજ્યના પોલીસ વડાને મુસ્લિમ સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી તેમ છતાં કેટલાક કહેવાતા ગૌરક્ષકો કાયદો હાથમાં લઈને લોકોને હેરાન કરીને માર મારતા હોય છે. આવો જ એક બનાવ ગાંધીનગરના અડાલજમાં બન્યો છે જેમાં કુરબાની માટે કાયદેસર છે તેવા જાનવરો ટ્રકમાં લઈને આવી રહેલા ટ્રકને કહેવાતા ગૌરક્ષકોએ રોકીને ટ્રક ડ્રાઈવરને ઢોરમાર માર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જો કે, આ મામલે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધવા મોડી રાત્રે તજવીજ હાથ ધરાઈ હતી. બેફામ ગૌરક્ષકોએ ગુંડાગર્દી કરી ટ્રક ડ્રાઈવરને માર મારતાં તેને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગંભીર બનાવ અંગે મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા અને ઈમરાન ખેડાવાલાએ સંયુક્ત નિવેદનમાં આ ઘટનાને વખોડી કાઢી જવાબદાર કહેવાતા તમામ ગૌરક્ષકોની તાત્કાલિક ધરપકડ કરવા ગાંધીનગરના પોલીસ વડાને ટેલિફોનિક રજૂઆત કરી છે. તદુપરાંત ત્રણેય મુસ્લિમ ધારાસભ્યોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે ગૌરક્ષકોને કાબૂ રાખવા સરકારને કડક આદેશ આપ્યો હતો તેમ છતાં ગૌરક્ષકો ઉપર સરકાર કાબૂ રાખી શકી નથી અને સુપ્રીમકોર્ટનો કડક આદેશ હોવા છતાં ગૌરક્ષકો કાયદો હાથમાં લઈને લોકોને માર મારીને સુપ્રીમના આદેશનો ભંગ કરી રહ્યા છે તેમજ સરકાર પણ આવા કહેવાતા ગૌરક્ષકોને કાબૂમાં રાખવામાં નિષ્ફળ નીવડી હોવાનું આ ઘટના પરથી ફલિત થાય છે. ત્યારે સરકાર પણ સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કરી રહી છે. એટલે સરકારે પણ ગૌરક્ષકોને કાબૂ રાખવા યોગ્ય પગલાં ભરવાની સાથે કડક કાયદો પણ બનાવવો જોઈએ.