(એજન્સી) તા.૮
બુલંદ શહેરની ઘટના પછી સમાજવાદી પાર્ટીએ (સપા) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સૌથી અયોગ્ય મુખ્યમંત્રી ગણાવતા તેમના પર રાજ્યમાં સાંપ્રદાયિક લાગણીઓ ઉશ્કેરવાના પ્રયત્નો કરવાનો આક્ષેપ કર્યો છે. બુલંદશહેર ઘટનાને માત્ર અકસ્માત ગણાવતા યોગીના નિવેદનનો હવાલો આપી સપાના પ્રવક્તા અબ્દુલ હાફિઝ ગાંધીએ કહ્યું હતું કે, આ દર્શાવે છે કે મુખ્યમંત્રી એક પોલીસ ઈન્સ્પેક્ટર અને એક વ્યક્તિની હત્યા પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે. સપા નેતાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ર૦૧૯ લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં સ્પષ્ટ રીતે ધ્રુવીકરણ કરી રહ્યા છે તેમણે આ પણ કહ્યું હતું કે, સરકાર અને પોલીસ બંને મુખ્ય ષડયંત્રકાર યોગેશ રાજની ધરપકડ કરવામાં રસ ધરાવતા નથી. તેનું નામ એફઆઈઆરમાં છે. અબ્દુલ હાફિઝે કહ્યું હતું કે, ઉપરથી આ સ્પષ્ટ આદેશ છે કે ભાજપ કેડર, તેનાથી જોડાયેલા સંગઠનો અને આરએસએસના લોકોને કાયદો હાથમાં લેવા છતાં કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં નહીં આવે. તેમણે કહ્યું હતું કે, વિકાસની વાતો અને સબકા સાથ સબકા વિકાસ જેવા સૂત્રો પોકળ સાબિત થયા છે અને આ સરકારનો એજન્ડા સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને સમાજને ધર્મના આધાર પર વિભાજિત કરવાનું છે.