(સંવાદદાતા દ્વારા) માળિયામિયાણા,તા.૭
માળીયામિંયાણા પંથકમાં ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ ચાલતું હોય જેમાં અગાઉ હાઈવે પરના ટ્રકમાંથી ડીઝલ ચોરી થતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે માળીયા પોલીસે નવલખીના દરિયામાં આવેલી ધોરીમાં દરોડો કરીને ચોરાઉ ડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી લઈને ૩ લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે. માળીયાના જુમાંવાડી વિસ્તારમાં આવેલ દરિયાની ધોરીમાં ડીઝલનો જથ્થો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસના મહાવીરસિંહ ઝાલાની ટીમે દરોડો કર્યો હતો. જેમાં શીપમાંથી ચોરી કરેલું શંકાસ્પદ ડીઝલનો જથ્થો ચોરી કરી જુમાંવાડી પાસે આવેલ દરિયાની નેહ ધોરીમાં છુપાવેલો હોય જ્યા દરોડો કરીને માળીયા પોલીસની ટીમે સ્થળ તપાસ કરતા ૬૦ લીટરના ૮૦ નંગ કેરબા જેમા કુલ ૪૮૦૦ લીટર ડીઝલનો જથ્થો કિંમત રૂા.૩,૩૧,૨૦૦ તેમજ ૩૧ ખાલી કેરબા તેમજ ડીઝલ ખેંચવા માટે નળી સહિતનો મુદ્દામાલ મળીને કુલ ૩,૩૨,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પોલીસને દુરથી જ જોઇને આરોપી ગુલામ જુસબ સાઈંચા, ફિરોજ સાઈંચા, જાકીર સાઈંચા, નાસીર સાઈંચા, હુશેન ટાંક, હસન ટાંક, મુસા ખમીરશા ટાંક, ગફુર ખમીરશા ટાંક, આમદ મડીયાર અને રાસંગ ઉર્ફે ડાડો માણેક (રહે. બધા જુમાંવાડી નવલખી બંદર) નાસી ગયા હતા. માળીયા પોલીસે ડીઝલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.