(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
શહેરના નાનપુરા-ટીમલિયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે દિગમ્બર જૈન મુની દ્વારા વડોદરાની એક યુવતિ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં ઈન્સાફી કાર્યવાહી શરૂ થાય તે માટે આરોપી સામે ચાર્જ ફ્રેમ (તહોમતનામુ) ફરમાવવાનું હતું, પરંતુ હવે ૨૪મી જાન્યુઆરીના રોજ તેની વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
આ કેસની વિગતો એવી છે કે, દિવાળી ૨૦૧૭ દરમિયાન નાનપુરા-ટીમલિયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે દિગમ્બર જૈન મુનિ શાંતિ સાગર મહારાજ દ્વારા વડોદરા ખાતે રહેતી અને અમદાવાદ ખાતે ફેશન ડિઝાઈનિંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અઠવા પોલીસ મથકમાં આરોપી સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આરોપી છેલ્લા ૧૫થી વધુ મહિનાની લાજપોર જેલમાં છે. પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાયા બાદ તેની સામે તહોમતનામુ ફરમાવવાનું હતું. પરંતુ હવે ૨૪મી જાન્યુઆરીના રોજ ચાર્જ ફ્રેમ થવાની શક્યતાઓ રહેલી છે.