(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
આરટીઆઈના ત્રણ ચળવળકારીઓ અંજલિ ભારદ્વાજ, નિખિલ ડે અને અમૃતા જોહરીએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમે આરટીઆઈ એકટના ખોટા અર્થઘટનને અટકાવવા દિલ્હી યુનિ.ના નિર્ણયને પડકાર્યો છે. દિલ્હી યુનિ.એ આરટીઆઈ અરજી દ્વારા માંગવામાં આવેલ માહિતીનો ઈન્કાર કરાયો હતો. જેમાં ૧૯૭૮માં પાસ થયેલ વિદ્યાર્થીઓની સંપૂર્ણ માહિતી માંગવામાં આવી હતી જે વર્ષે વડાપ્રધાન મોદીએ પણ દિલ્હી યુનિ.માંથી સ્નાતકની ડિગ્રી મેળવી હોવાનો દાવો કર્યો હતો. દિલ્હી યુનિ.એ સીઆઈસીના આદેશને રદ કર્યો હતો. યુનિ.એ જણાવ્યું હતું કે, એમનો આદેશ આરટીઆઈ એકટની જોગવાઈઓ વિરૂદ્ધ છે જેની અવળી અસરો યુનિ. ઉપર પડશે. લોકો અમારી ઉપર વિશ્વાસ મૂકે છે એમની સાથે વિશ્વાસભંગ થશે. આરટીઆઈ ચળવળકારીએ જણાવ્યું હતું કે સરકાર માહિતી નહીં જાહેર કરી શંકાઓ ઉપજાવે છે. હાઈકોર્ટમાં થયેલ સુનાવણી બાબત એમણે કહ્યું કે સરકારના વકીલે અમારી દલીલોનો મુદ્દાસર જવાબ આપ્યો ન હતો અને અમારી ઉપર પ્રસિદ્ધિ મેળવવાના આક્ષેપો મૂકયા હતા. અમારા મુદ્દાઓ હતા કે પરિણામો અંગત માહિતી નથી. અમે માંગેલ માહિતી ર૦ વર્ષથી વધુ જૂની છે જેથી કાયદાની જોગવાઈને બાધ આપતો નથી. બધી જ યુનિ.ઓ પરિણામો જાહેર કરી નેટ ઉપર પણ મૂકે છે. અમે પારદર્શિતતા લાવવા માટે યુનિ.માંથી માહિતી માંગી હતી. જેથી વ્યાપમ, બનાવટી ડિગ્રીઓ, ભરતી કૌભાંડોને અટકાવી શકાય. વધુ ગુપ્તતા જાળવવાથી ભ્રષ્ટાચાર જ વધે છે. કોર્ટે આગામી સુનાવણી ર૩મી ઓગસ્ટે રાખી છે. ર૧મી ડિસેમ્બર ર૦૧૬ના રોજ સીઆઈસીએ દિલ્હી યુનિ.ની રજૂઆતોને રદ કરી હતી. જેમાં એમણે ૧૯૭૮માં યોજાયેલ પરિણામોને આરટીઆઈ ચળવળકારીઓને બતાવવા ઈન્કાર કર્યું હતું. સીઆઈસીએ યુનિ.ના અધિકારીના નિર્ણયને રદ કર્યો હતો અને આદેશ આપ્યો કે ચળવળકારીઓને બધા પરિણામો બતાવવામાં આવે એ સાથે નામ, સરનામા અને અન્ય વિગતો પણ જણાવવામાં આવે. દિલ્હી હાઈકોર્ટે સીઆઈસીના આદેશ ઉપર મનાઈ હુકમ આપ્યો છે.