(એજન્સી) નવી દિલ્હી,તા.ર૬
પંચાયત આજતકમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે મોદી સરકારના ચાર વર્ષના કાર્યો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મોદી સરકારે ભ્રષ્ટાચાર અંગે કોઈ કામ કર્યું નથી સાથે જ તેમણે ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પડકાર આપ્યો છે અને કહ્યું કે કાળા નાણાં મુદ્દે જેઠમલાણી અને જેટલીની ચર્ચા કરાવો. બધુ જ સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે મોદી સરકારે ભ્રષ્ટાચારની લડાઈ એટલી લડી કે ગુજરાતમાં લોકાયુકત બનવા દીધુ નહીં. ચાર વર્ષમાં લોકપાલની રચના ના કરી ભાજપનો એક જ એજન્ડા છે. હિન્દુ-મુસલમાનના નામે હિન્દુઓને મુર્ખ બનાવો અને તેમની પાસેથી મતો મેળવો. દિગ્વિજયે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદીએ કહ્યું હતું કે નોટબંધીથી ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ જશે. આતંકવાદ પૂર્ણ થઈ જશે, કાળુનાણું સમાપ્ત થઈ જશે, ફેક કરન્સી સમાપ્ત થઈ જશે. પરંતુ આવું કશું જ થયું નહીં અને તેનું પરિણામ એ આવ્યું કે ૧પ લાખ લોકો બેરોજગાર બન્યા. જી.ડી.પી.માં બે ટકાનો ઘટાડો થયો સાથે જ બેન્કોએ પણ મોટો ભ્રષ્ટાચાર કર્યો. સરકારની તૈયારી એવી હતી કે નોટબંધી બાદ પ૦ દિવસોમાં ૬૬ આદેશો બહાર પાડયા. પંચાયત આજતકમાં તેમણે ભાજપા નેતા પ્રકાશ જાવડેકરને પડકાર આપતા કહ્યું કે તમે કાળા નાણાં મુદ્દે રામ જેઠમલાણી અને અરૂણ જેટલીની ચર્ચા કરાવી તો બધુ જ સ્પષ્ટ થઈ જશે.