(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે રાહુલ ગાંધીના ગુરુ હોવાના પ્રશ્ન પર જણાવ્યું કે, તેઓ કોઈના ગુરુ નથી. પોતાના પુત્રના પણ નથી. તેમની આ ટિપ્પણી ‘ન્યૂઝ ૧૮ ઈન્ડિયા’ના કાર્યક્રમ ચોપાલમાં આવી હતી. એન્કર કિશોર આજવાણીએ આ દરમિયાન તેમને રાજકારણ અંગે કેટલાક મુદ્દાઓ પર પ્રશ્ન કર્યા હતા, જેના દિગ્વિજયે રસપ્રદ જવાબ આપ્યા હતા. સૌપ્રથમ પૂછવામાં આવ્યું કે, તમે આ અભિયાન (વિધાનસભા ચૂંટણી)માં ક્યાં હતા ? તેઓએ જણાવ્યું હું મધ્યમાં હતો અને અત્યારે પણ તેમાં જ છું. આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવવાના પ્રશ્ન પર જણાવ્યું કે મેં કોઈને હરાવ્યા નથી તે લોકો હારી ગયા. હું કોઈને હરાવતો પણ નથી.
એન્કરે દિગ્વિજયના જૂના નિવેદનનો હવાલો આપતા જણાવ્યું કે, તમે કહ્યું હતું કે હું જ્યાં જઉં છું ત્યાં વોટ કપાઈ જાય છે ? કોંગ્રેસી નેતાએ સ્પષ્ટ કર્યું કે, આ ભાજપનો કુપ્રચાર હતોે. તેમણે જણાવ્યું હતું કે, ર૦૦૩માં હાર મારી નીતિઓના કારણે થઈ. દુર્ભાગ્ય હતું કે, કોંગ્રેસે પણ આ કુપ્રચારને સત્ય સમજ્યું. આવામાં મેં જણાવ્યું કે, તમે લોકો (પાર્ટીના અન્ય લોકો) ર૦૦૮, ર૦૧૩માં ચૂંટણી જીતીને બતાવો.
તેની પર એન્કરે પ્રશ્ન કર્યો કે, પરંતુ રાહુલે કેમ આ વાત માની. તમે તો તેમના ગુરુ હતા ? દિગ્ગી બોલ્યા, મોટી ગેરસમજ છે તમને, હું કોઈનો ગુરુ નથી. પોતાના પુત્રનો પણ નહીં. હું તો સામાન્ય માણસ છું.
ઈન્ટરવ્યૂ દરમિયાન મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથ અંગે તેમણે જણાવ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે કમલનાથે મારો ઘણો સાથ આપ્યો. તેઓ અદ્‌ભુત વ્યક્તિ છે. મિત્રતા ભજવે છે. ૪૦ વર્ષનો હું મારા પુત્રને પણ આ જ કહું છું કે, આગળ આ સંબંધ જારી રાખજો.