(એજન્સી) તા.૧૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંઘે પુલવામાં હુમલા સંદર્ભે પાર્ટીના અન્ય નેતા નવજોત સિદ્ધુ પર કટાક્ષ કરતાં તેમને ઈમરાનખાનના મિત્ર ગણાવી સલાહ આપી હતી કે સિદ્ધ તેમના મિત્ર ઈમરાનખાનને આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા સમજાવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્‌વિટ કરીને ઈમરાનને કહ્યું હતું કે, “તમારામાં હિંમત હોય તો તમે હાફિઝ સઈદ અને મસૂદ અઝહર ભારતને સોંપી દો. આમ કરવાથી તમે પાકિસ્તાનને આર્થિક સંકડામણમાંથી ઉગારી લેશો અને શાંતિ માટેનો નોબેલ પ્રાઈઝ મેળવવાની હરિફાઈમાં તમારું નામ મોખરાનું સ્થાન મેળવશે” દિગ્વિજયસિંઘે નવજોત સિદ્ધુને સલાહ આપતાં અન્ય ટ્‌વીટમાં કહ્યું હતું કે, “નવજોત સિદ્ધુનું તમે તમારા મિત્ર ઈમરાનભાઈને સમજાવો. તેમના કારણે તમારે ગાળો ખાવી પડે છે.” પુલવામા હુમલા પછી સમગ્ર દેશમાં કાશ્મીરીઓને લક્ષ્યાંક બનાવવાની ઘટના પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું નિર્દોષ કાશ્મીરીઓની ‘બિનજરૂરી સતામણી” બંધ કરો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, “એક દેશ તરીકે આપણે નક્કી કરવાનું છે કે, શું આપણને કાશ્મીરીઓ વગરનું કાશ્મીર જોઈએ છે ?” જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તમાન સાંપ્રદાયિક તણાવ વિશે દિગ્વિજયસિંઘે કહ્યું હતું કે, “આ તણાવ માટે આપણે બધા જવાબદાર છીએ. શું આપણે કેટલાક સમય માટે આપણા રાજકીય મતભેદોને ભૂલી જમ્મુ-કાશ્મીરમાં સાંપ્રદાયિક સંવાદિતતા અને ભાઈચારાનું વાતાવરણ પાછું ન લાવી શકીએ.”