નવી દિલ્હી, તા.રપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે રાજ્યસભામાં નર્મદાની નિર્મળતા બહાલ કરવા અને તેની પગપાળા પરિક્રમાનો માર્ગ સુનિશ્ચિત કરવાની માગણી કરી છે. દિગ્વિજયસિંહે કહ્યુ છે કે સરકારે પવિત્ર નર્મદા નદીના સંરક્ષણ માટે સમન્વિત રીતે એક કાયદો લાવવો જોઈએ. તાજેતરમાં નર્મદા નદીની પગપાળા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ દિગ્વિજયસિંહે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકોની જીવનરેખા છે. પરંતુ પવિત્ર નર્મદા નદીની દુર્દશા બેહદ ચિંતાજનક છે. દિગ્વિજય સિંહે કહ્યુ છે કે નર્મદા નદીના આખા કેચમેન્ટ એરિયામાં જંગલ કાપવામાં આવ્યા છે. નદી પર ઠેકઠેકાણે બંધ બનાવવામાં આવ્યા છે અને ગેરકાયદેસર રીતે રેત ખનન થઈ રહ્યું છે. તેના કારણે નર્મદાનું વહેણ ઘણું ઓછું થયું છે અને જળસ્તર પણ ઘટી ગયો છે. તેમણે કહ્યુ છે કે સરદાર સરોવર બંધમાં પાણી ઘટી ગયું છે અને સમુદ્રનું ખારું પાણી નર્મદામાં ભળી રહ્યું છે. ભરૂચમાં રાસાયણિક ઉદ્યોગ ગેરકાયદેસર રીતે પાઈપલાઈન નાખીને નર્મદાનું પાણી લઈ રહ્યા છે. આ ઉદ્યોગો દ્વારા ખતરનાક કચરો નદીમાં જઈ રહ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યુ છે કે નર્મદા નદીની નિર્મલતા બહાલ કરવા માટે જરૂરી છે કે તેના કેચમેન્ટ એરિયામાં જંગલ કાપવા પર રોક લગાવવામાં આવે અને તેમાં આવીને મળનારા નદી-નાળાની પણ સફાઈ કરવામાં આવે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે કહ્યુ છે કે સરકારને નર્મદા સંરક્ષણ માટે સમન્વિત રીતે એક કાયદો લાવવો જોઈએ. તેમણે ક્હયુ છે કે નર્મદાના ઉત્તર અને દક્ષિણ તટ પર જેટ્ટી બનાવવા તથા નર્મદામાં નૌકાવ્યવહાર કરવા માટે બોટ્‌સ પર લાઈફ જેકેટ્‌સ ઉપલબ્ધ કરાવાની પણ માગણી કરી છે.