(એજન્સી) ભોપાલ, તા.૮
મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર રચાયા બાદ સ્પીકરની ચૂંટણીમાં પહેલું શક્તિ પરીક્ષણ થશે. કોંગ્રેસે એન.પી.પ્રજાપતિને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપાએ વિજયશાહને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે આરોપ મૂક્યો છે કે, કોંગ્રેસના વિધાયકોને ભાજપના પક્ષમાં મતદાન કરવા ભાજપના નેતાઓ ૧૦૦-૧૦૦ કરોડની ઓફર કરી રહ્યા છે. તેમણે આ વાતના પૂરતા પુરાવા હોવાની વાત કરી. મુખ્યમંત્રી કમલનાથે સ્પીકરની ચૂંટણીમાં પાર્ટીની જીતનો દાવો કર્યો. પ્રદેશમાં આ પહેલાં ૧૯૬૭માં સ્પીકરની ચૂંટણી માટે મતદાન થયું હતું.
મધ્યપ્રદેશમાં સ્પીકર પદ માટે ચૂંટણી થવાની છે. કોંગ્રેસ જીત માટે ધારાસભ્યોને વોટિંગની પ્રક્રિયા સમજાવી રહી છે. જ્યારે દિગ્વિજયે ૧૦૦-૧૦૦ કરોડની ઓફરનો આરોપ મૂક્યો છે.
એક અખબાર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મારી પાસે પૂરતા પુરાવા છે. જરૂર પડે બહાર પાડીશ. મુખ્યમંત્રી કમલનાથે ડીનર પાર્ટીનું આયોજન કરી ચાર અપક્ષો અને ૧ સપાના ધારાસભ્યને ડીનર પાર્ટીમાં બોલાવ્યા હતા. જે સ્પીકરની ચૂંટણી માટે યોજાઈ હતી. ભાજપે તેના ઉમેદવાર વિજય શાહને જીતાડ્યા રાષ્ટ્રીય નેતાઓ મહાસચિવ વિજય વર્ગીય, નરોત્તમ મિશ્રા, ભૂપેન્દ્રસિંહ, વિશ્વાસ સારંગને મેદાનમાં ઉતાર્યા છે.