(એજન્સી) ભોપાલ, તા.૬
મધ્યપ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે રામમંદિર મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો છે. દિગ્વિજયસિંહે રામમંદિર મામલે બીજેપી નેતાઓ દ્વારા આપવામાં આવી રહેલ નિવેદનોને લઈને યુપીની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે. સિંહે જણાવ્યું કે, બીજેપીને ભગવાન રામની યાદ ચૂંટણી વખતે જ આવે છે. આનો સંદર્ભ આપતા દિગ્વિજયે બીજેપીના અનેક નેતાઓ દ્વારા અયોધ્યામાં રામમંદિરને લઈને આપેલ નિવેદન ટાંક્યા તેમણે કહ્યું, મોદી સરકાર દરેક મોરચે અસફળ રહી છે. બીજેપી અને તેની સરકાર મુખ્યત્વે મોદી નિષ્ફળ નિવડ્યા છે. એમને ચૂંટણીના દિવસોમાં જ ભગવાન રામની યાદ આવે છે. એમણે કહ્યું કે, રામમંદિર બનાવવામાં કોઈ સમસ્યા નથી પરંતુ રામમંદિર વિવાદિત ભૂમિ પર જ કેમ બનાવવા માંગે છે ? એમણે કહ્યું કે, જો તમે રામમંદિર વિવાદિત સ્થળ પર બનાવવા માંગો છો તો કોર્ટનો આદેશ માનવો પડશે.