(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું છે કે, તેઓ કોંગ્રેસની ચૂંંટણી સભાઓમાં જવાનું ટાળે છે કારણ કે, તેના પરિણામે કોંગ્રેસ મતો ગુમાવે છે. ભોપાલમાં પક્ષના કાર્યકરો સાથે સામાન્ય વાતચીતમાં તેમણે કહ્યું કે, કોઇપણ મહિલા કે પુરૂષ ઉમેદવાર બળવાખોર હોય તેમ છતાં તેને જીતાડવા માટે પક્ષે સાથે મળીને કામ કરવું જોઇએ. તેમણે એક સમાચાર એજન્સી સમક્ષ જણાવ્યું હતું કે, જેને ટિકિટ મળે પછી તે દુશ્મન કેમ ન હોય તેને જીતાડવો જોઇએ. અને મારૂ કામ ફક્ત એક જ છે કે, કોઇ પ્રચાર નહીં અને કોઇ ભાષણ નહીં. મારા ભાષણ આપવાથી કોંગ્રેસના મતો ઓછા થાય છે. આ મહિનામાં જ બીએસપીના સુપ્રીમો માયાવતીએ દિગ્વિજયને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમના જેવા કોંગ્રેસના નેતાઓ તેમની પાર્ટી સાથે ગઠબંધન કરવા માગતા નથી કારણ કે, તેઓ કહે છે કે, ઇડી અને સીબીઆઇ જેવી એજન્સીઓથી ડરે છે. દિગ્વિજયસિંહ ભાજપના એજન્ટ પણ છે અને તેઓ જ્યારે હું કેન્દ્ર સરકારના દબાણમાં હતી ત્યારે તેઓ મારી વિરૂદ્ધ નિવેદન આપતા હતા તેથી મારે તેમની સાથે ગઠબંધન કરવું નથી. તેમના આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. મારા મતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનિ વિચારસરણી કોંગ્રેસ-બીએસપી ગઠબંધન માટે ઇમાનદાર છે. જોકે, કેટલાક કોંગ્રેસી નેતાઓ તેને નુકસાન પહોંચાડે છે. આ દિગ્વિજયસિંહને માયાવતીનો જવાબ હતો જેમાં દિગ્વિજયે કહ્યું હતું કે, માયાવતી કેન્દ્ર તરફથી ભારે દબાણમાં છે જે રાજનેતાઓ પર દબાણ સર્જવા માટે એજન્સીઓનો ઉપયોગ કરે છે. સિંહને મે માસમાં રાજ્યના પાર્ટી સંયોજક સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. કમલનાથને રાજ્ય એકમનાઅધ્યક્ષ બનાવ્યા હતા જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીના પ્રચારના ઇન્ચાર્જ બનાવ્યા હતા. મધ્યપ્રદેશવિધાનસભાની ચૂંટણી આ વર્ષે ૨૮મી નવેમ્બરે યોજાશે જ્યારે મતોની ગણતરી ૧૧મી ડિસેમ્બરે કરવામાં આવશે. છેલ્લા ૧૫ વર્ષથી મધ્યપ્રદેશમાં સત્તા પર રહેલી ભાજપ પાસેથી આ વર્ષે શાસન ઝૂંટવી લેવા માટે કોંગ્રેસ આશાવાન છે.

દિગ્વિજયના નિવેદનથી કોંગ્રેસમાં ખળભળાટ, કમલનાથે કહ્યું-મને
ખબર નથી, શિવરાજ બોલ્યા- કોંગ્રેસ પોતાના નેતાનું માન જાળવે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ દ્વારા અપાયેલા નિવેદન ‘મારા સભામાં જવાથી કોંગ્રેસના મતો ઓછા થાય છે તેથી હું સભામાં જતો નથી’ અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે કહ્યું છે કે, કોંગ્રેસ ઓછામાં ઓછું પોતાના નેતાનું માન જાળવે. મને ખબર ન હતી કે, કોેંગ્રેસ તેમના નેતાની આવી દુર્દશા કરશે. બીજી તરફ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ કમલનાથે કહ્યું છે કે, હું નથી જાણતો કે તેમણે આ વાત કયા સંદર્ભમાં કરી છે. ઉલ્લેખનીય છે કે દિગ્વિજયસિંહનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ કોંગ્રેસના કાર્યકરોને કહે છે કે, મારા ભાષણથી કોંગ્રેસના મતો કપાય છે તેથી હું રેલીઓમાં જતો નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધ્યપ્રદેશ એકમના કાર્યકારી અધ્યક્ષ જીતુ પટવારીના ઘરે પહોંચ્યા હતા અને બેઠક બાદ બહાર આવતા સમયે તેઓએ કોંગ્રેસના કાર્યકરો સમક્ષ આવું નિવેદન આપતા વીડિયો વાયરલ થઇ ગયો હતો.