(એજન્સી) નવીદિલ્હી, તા.૧૧
અખાડા પરિષદ દ્વારા ઢોંગી બાબાઓની યાદી જાહેર કરાતા કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે ટ્‌વીટ કર્યું અને પૂછ્યું કે પરિષદે બાબા રામદેવનું નામ યાદીમાં કેમ નથી રાખ્યું? બાબા તો વર્ષોથી લોકોને લૂંટી રહ્યા છે. તેમણે લખ્યું કે સન્માનીય અખાડા પરિષદે આ યાદીમાં બાબા રામદેવનું નામ સામેલ નથી કર્યું. તેઓ આખા દેશને લૂંટી રહ્યા છે. નકલીને અસલી કહીને વેચી રહ્યા છે. દિગ્વિજયની આ ટ્‌વીટ પર લોકોએ તેમને ટ્રોલ કરતા તેમને નિશાના પર લીધા છે. યૂઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કોઇએ સોનિયા-રાહુલ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યા તો કોઇએ આચાર્ય પ્રમોદ કૃષ્ણનને ઢોંગી બાબાઓની યાદીમાં સામેલ કરવાની માંગ કરી છે. એક યૂઝરે લખ્યું કે “સૌથી ઉપર આચાર્ય પ્રમોદનું નામ લખવું જોઇએ. કંઇ વાંધો નહીં… આગામી યાદીમાં તેમનું નામ ઉમેરી દેજો. અન્ય એક યૂઝરે લખ્યું કે “સન્માનીય અખાડા પરિષદે આ યાદીમાં રાહુલ બાબાનું નામ સામેલ ન કર્યું !નિરાશા થઇ!” અન્ય એક યૂઝરે લખ્યું કે “ હું દિગ્વિજયજીની વાતથી સહમત છું, સ્વદેશીનો રાગ આલાપનારની ફેક્ટરીમાં વિદેશી મશીનો, બાબા રામદેવ ઢોંગી છે.”