લુણાવાડા, તા.૩
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અન્વયે “બેટી બચાવો બેટી પઢાવો” કાર્યક્રમ શેઠ પી.એન. પંડ્યા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી. મોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ઉપલક્ષ્યમાં આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા લુણાવાડા ખાતે યોજાયેલ આ બેટી બચાવો બેટી પઢાવો જાગૃતિ કાર્યક્રમ કલેક્ટર ડો.એમ.ડી. મોડિયા અને જિલ્લા વિકાસ અધિકારી આર.જી. ગોહિલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થિનીઓને સંબોધન કરતાં જિલ્લા કલેક્ટર ડો.એમ.ડી. મોડિયાએ જણાવ્યું હતું કે કેસમાજ અને રાષ્ટ્રના વિકાસમાં દીકરીને શિક્ષણ આપી સમાજમાં આગળ વધે અને દીકરા-દીકરીને સમાન હક મળે તેમ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એસ.એ.શેખે મહિલાઓને મળતા અધિકારો અને કાનૂની નિયમોની વિશિષ્ઠ જાણકારી ઉપસ્થિત વિદ્યાર્થિનીઓને આપી હતી. આ બેટી બચાવો બેટી પઢાવો જાગૃતિ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર ગીતાબેન પંચાલ અને બી.કે. પટેલે આ કાર્યક્રમનું હાર્દ સમજાવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એસ.બી.શાહે પણ સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરી દીકરીઓના સામાજિક-શૈક્ષણિક અને આર્થિક વૃદ્ધિ કરવા માટે અને મોભાની જાળવણી અને સ્વનિર્ભરતા જેવા આનુસંગિક વિષયો પર માહિતી આપી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ વિજ્ઞેશ શુકલ, આરોગ્ય વિભાગના ડોક્ટરો હાજર રહ્યા હતા.