સુરત,તા.૧૦
પાંડેસરા વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. ગળાના ભાગે નિશાન મળી આવતાં મૃતકની દીકરીએ માતાના મોતને લઈને પિતા અને તેની પ્રેમિકા સામે આક્ષેપ લગાવ્યાં હતાં.સમગ્ર મુદ્દે હાલ પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરા વડોદ આવાસમાં રહેતી મીન સુરેન્દ્ર વર્મા (ઉ.વ.આ.૪૦)નું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. વહેલી સવારે મીનાની બાજુમાં સુતેલી બે વર્ષની દીકરી રડી રહી હતી જેથી તેનો પતિ દીકરીને શાંત કરવા ઉભો થયો પણ મીના ન જાગતાં તેણીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. સુરેન્દ્ર અને મીનાએ કારખાનામાં સાથે કામ કરતાં આંખ મળી જતાં લગ્ન કર્યા હતાં. સુરેન્દ્રની પહેલી પત્ની તેના સંતાનો સાથે ગામડે રહે છે. જ્યારે મીનાના ત્રણ સંતાનોમાંથી એક દીકરી તેની નજીક જ રહે છે.
માતાના મોત બાદ મીનાની મોટી દીકરીએ આરોપ લગાવ્યાં હતા કે, સુરેન્દ્રને કોઈ અન્ય સાથે પ્રેમ હોવાથી થોડા દિવસો અગાઉ તેણી ઘરે આવીને ઝઘડો કરી ગઈ હતી. વળી મીનાના ગળા પરથી મળી આવેલા નીશાનને જોતા તેની હત્યા થઈ હોવાના આક્ષેપ કર્યા હતાં.હાલ પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.