(એજન્સી) જયપુર, તા.૩
રાજ્સ્થાનના કોટપુતલી ક્ષેત્રનો એક ચા વેચનાર વ્યક્તિ આવકવેરા વિભાગની નજરે ચડી ગયો છે. તે પાછળનું કારણ એ છે કે લીલારામ ગુર્જરે પોતાની દીકરીના લગ્નમાં ૧.૫૧ કરોડ રૂપિયા દહેજમાં આપ્યા હતા. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ત્યાર પછી જ આ ચાવાળો ચર્ચામાં આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ આવકવેરા વિભાગે મંગળવારે લીલા રામ ગુર્જરને સમન્સ પાઠવ્યું. હાલ ગુર્જરનો આખો પરિવાર લાપતા છે અને પોલીસ તેમને શોધી રહી છે. આવકવેરા વિભાગે બુધવારે કાર્યાલય આવીને ગુર્જરને લગ્નમાં કરેલા ખર્ચ અંગે જવાબ માંગ્યો પરંતુ તે ત્યાં હાજર ન રહ્યો. આવકવેરા વિભાગનું કહેવું છે કે અમે ગુરૂવાર સુધી તેના જવાબની રાહ જોઇશું અને આ મામલે ગુર્જરની પુછપરછ કરવામાં આવશે. અમે તેની પણ તપાસ કરીશું કે ગુર્જર પોતાનું ટેક્સ રિટર્ન ભરે છે કે નહીં. જો દહેજની રકમ તેની આવક કરતાં વધુ હશે તો તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગુર્જરને તેના આવક સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાનું પણ કહેવામાં આવશે. ગુર્જર દહેજના કારણે ચર્ચામાં નથી પરંતુ તેના પર આરોપ છે કે તેણે પોતાની જે દીકરીઓના લગ્ન કરાવ્યા, તેમાંથી ચાર સગીર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ગુર્જરે પોતાની બે મોટી પુત્રીઓના નામ ધરાવતી નિમંત્રણ પત્રિકા છપાવી હતી પરંતુ તેની ૪ સગીર પુત્રીઓના પણ લગ્ન કરાવી દીધાં. કોટપુતલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે અમે ગુર્જરના ઘરે ગયા હતા પરંતુ તેનો આખો પરિવાર ગુમ છે. તેમના સંબંધીઓને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે અમારી ટીમ ગુર્જર અને તેના પરિવારને શોધી રહી છે અને ટૂંક સમયમાં તેમને હિરાસતમાં લેવામાં આવશે.